શહેરના વાસણા-ભાયલી રોડ પર એકલવાયું જીવન ગુજારતી માલેતુજાર વૃધ્ધાના ઘરમાં ઘરઘાટીના સ્વાંગમાં નોકરી પર રહેલી એક મહિલા સહિત બે જણાંએ માત્ર ચોવીસ કલાકના સમયગાળામાં જ રૂપિયા 8.20 લાખની કિંમતના
સોના-ચાંદીના દાગીનાની ધાપ મારી હતી. વૃધ્ધાના ઘરમાં ચોરી કરીને બંને જણા ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે જે પી રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનના ડુંગરપુરના
સાબલા ગામેથી સીમા ઉર્ફે આરતી અને લોકેશકુમાર ઉર્ફે રાહુલને આબાદ ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી એક મોટરબાઈક, સોનાની ચેઈન, ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન જપ્ત કરીને બંનેની પુછપરછ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના વાસણા-ભાયલી રોડ પર માલેતુજાર વૃધ્ધા એકલવાયું જીવન ગુજારે છે. ગયા મહિને એમને ત્યાં ઘરઘાટી તરીકે રાહુલ અને આરતી નામના બે જણાં નોકરીએ લાગ્યા હતા. બંને જણાએ
પતિ-પત્ની હોવાનુ વૃધ્ધાને જણાવ્યુ હતુ. 10મી જૂનના રોજ બંને જણા નોકરી પર લાગ્યા હતા. માત્ર ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન બંને જણાએ ઘરના ઉપરના માળે આવેલા લાકડાના કબાટનું તાળુ તોડીને અંદરથી રૂપિયા 8.20
લાખના દાગીનાની ચોરી કરી હતી. ત્યારપછી બંને જણા સિફતતાથી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે જે પી રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેર પોલીસના ક્રાઈમ બ્રાંચની ટીમે ઘટનાની તપાસ માટે હ્યુમન રિસોર્સિસની
મદદ લીધી હતી.
જે દરમિયાન પોલીસને જાણવા મળ્યુ હતુ કે, બંને જણાં રાજસ્થાનના ડુંગરપુર નજીકના સાબલા ગામના રહેવાસી છે. જેથી પોલીસની ટીમ સાબલા ગામે પહોંચી હતી અને તેમણે બંનેને જણાને આબાદ ઝડપી પાડ્યા
હતા. પકડાયેલા આરોપીઓમાં લોકેશકુમાર ઉર્ફે રાહુલ સવાભાઈ કિર અને સીમા ઉર્ફે આરતી મગનભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી સોનાનો અછોડો, ચાંદીની પાયલો, મોટરબાઈક અને મોબાઈલ ફોન
સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓની સઘન પુછપરછ શરૂ કરી છે.
Reporter: News Plus