શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી રેવાપાર્ક સોસાયટીના નાકે સવારે સાડા છ વાગ્યે ચાલવા નીકળેલા વૃધ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઈક સવાર બે ગઠિયા પલાયન થઈ જતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવ અંગે
પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે રેવાપાર્ક અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને ગઠિયાઓને વેરઅબાઉટ્સ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
તરસાલી વિસ્તારમાં આવેલી રેવાપાર્ક સોસાયટીમાં રહેતા અભિષેક શર્માએ જણાવ્યુ હતુ કે, આજે સવારે સાડા છ વાગ્યાની આસપાસ મારા દાદી ચાલવા નીકળ્યા હતા. સોસાયટીના નાકેથી તેઓ પસાર થતા હતા તે સમયે તેમની આગળ
એક બાઈક આવી પહોંચી હતી. દાદી કંઈ સમજે તે પહેલા જ બાઈકની પાછળથી એક યુવક ઉતર્યો હતો અને એણે પાછળથી દાદીની ગરદન પકડી લીધી હતી. ત્યારપછી તેણે દાદીના ગળામાંથી સોનાનો અછોડો તોડી લીધો હતો.
પછી એમને ધક્કો મારીને પાડી દીધા હતા. દાદી પડતાની સાથે જ યુવક બાઈકની પાછળ બેસી ગયો હતો. અને ત્યારપછી બંને જણા ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ નજીકમાં ઉભેલી એક મહિલા દોડી આવી હતી અને એમણે દાદીને ઉબા કરીને બાજુની એક દુકાનના ઓટલે બેસાડ્યા હતા. અને અમને જાણ કરી હતી. હાલમાં અમે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે. પોલીસે જણાવ્યુ હતુ કે, અછોડા તોડવાની ઘટનાનો ભેદ ઉકેલવા માટે રેવા પાર્ક અને એની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે.
Reporter: News Plus