વડોદરા શહેરમાં જે ભાજપને વોટ આપે એ જ વિસ્તારને વિકાસનો અધિકાર છે. અને જે ભાજપને મત ના આપે એ વિસ્તાર વિકાસને લાયક નથી. તેવુ વડોદરા શહેર ભાજપના પ્રમુક ડો. વિજય શાહના એક ભાષણ પરથી લાગી રહ્યુ છે.
ગઈકાલે રાવપુરા વિધાનસભાના સન્માન સમારોહમાં ડો. વિજય શાહ સ્ટેજ પરથી એવુ બોલ્યા કે, રાવપુરા વિધાનસભાના જે બુથો પરથી ભાજપને વોટ મળતા નથી તે વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યોમાં પૈસા વાપરવા ઠીક નથી. જ્યાંથી ભાજપને છેલ્લા પંદરેક વર્ષથી વોટ જ નથી મળતા ત્યાં કામ કરવા કરતા જ્યાંથી લોકો ભાજપને ખોબેખોબા ભરીને વોટ આપે છે એ વિસ્તારોના કામોમાં પૈસા ખર્ચાવા જોઈએ.વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જાહેરમંચ પરથી પોતાની માનસિકતા રજૂ કરતા જણાવ્યુ હતુ કે, રાવપુરા વિધાનસભાના અમુક બુથો એવા છે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીને વોટ મળતા નથી. કેટલાક બુથો એવા પણ છે જ્યાંથી ભાજપને ખુબ ઓછા મત મળે છે. એક બુથ આશરે 700થી 1000નું હોય અને એમાંથી ભાજપને સીંગલ કે, ડબલ ડીજીટમાં વોટ મળતા હોય ત્યારે પાર્ટીના આગેવાનોએ વિચાર કરવો જોઈએ.
ઉપરાંત, ચુંટાયેલા પ્રતિનિધિઓએ વિચારવુ જોઈએ કે, ક્યાં વિસ્તારમાં કામની અગ્રીમતા રાખવી જોઈએ. જ્યાંથી ભાજપને વોટ મળતા નથી તેવા વિસ્તારોમાં ફોડવી અને બજેટના પૈસા ના વાપરવા જોઈએ. અને જે વિસ્તારોમાંથી ભાજપને ખોબેખોબા ભરીને વોટ મળ્યા છે તેવા વિસ્તારોમાં સુવિધાના કામો ના થાય તો આપણે વિચાર કરવો જોઈએ. ખેર, ડો. વિજય શાહે પોતાના ભાષણમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોને ટકોર પણ કરી હતી કે, જે વિસ્તારોમાંથી ભાજપને સારા વોટ મળ્યા છે ત્યાં લોકોને કોઈ અગવડતા ના પડે તેનો ખાસ ખ્યાલ રાખવો અને જે વિસ્તારોમાંથી વોટ નથી મળતા ત્યાં વધારે સારા કામ કરીને લોકોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
Reporter: News Plus