શ્રીમંત વિસ્તારની સડકોની કોરે રહેતા મજદુરોને અઠવાડિયાથી મજદૂરી મળી નથી..શહેરમાં વિવિધ ચાર રસ્તાઓ પર કડિયા નાકા તરીકે જાણીતા શ્રમિક બજારો ભરાય છે.અહીં રોજ સવારે કડિયા, સુતાર,પ્લમ્બર જેવા કારીગરો અને તેમની સાથે સહાયક તરીકે કામ કરતા શ્રમજીવીઓ રોજ સવારે કામની તલાશમાં ઊભા રહે છે.
હવે શહેરમાં લગભગ એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે.ઘણાં ભાગોમાં વરસાદી પાણી ભરાયાં છે.દૈનિક જીવન ખોરવાયું છે.સ્વાભાવિક રીતે રોજ કારીગરી અને મજદૂરી કરી રોટલો રળનારો આ વર્ગ અઠવાડિયા થી લગભગ બેકાર છે.મોટા ભાગનાને માંડ એકાદ બે દિવસ છૂટુંછવાયું કામ મળ્યું હશે.આ લોકો મોટેભાગે અસ્થાયી ઝૂંપડાઓ,રાવટીઓમાં રહે છે.એમના આ આશ્રય સ્થાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.થોડીઘણી જે ઘરવખરી હતી એ પાણીમાં પલળી ગઈ છે.અને હાલમાં કામ ના મળતા રોજ વિલા મોઢે એમને પાછા ફરવું પડે છે.એમની સાથે એમના પરિવારની હાલત કફોડી છે.ત્યારે સરકાર અને સંસ્થાઓએ આ લોકોને પણ ફૂડ પેકેટ અને અન્ય સહાય આપવાનું વિચારવું જોઈએ.
આ લોકો પૂરગ્રસ્ત તરીકે મળવાપાત્ર મદદ ને લાયક છે.ત્યારે તંત્ર એમને શોધી શોધીને મદદ કરે અને સેવાભાવી લોકો અને સંસ્થાઓ તેમની વ્હારે આવે એ ઇચ્છનીય છે.વડોદરા સ્માર્ટ સિટી બનવાના માર્ગે છે પરંતુ એક અઠવાડિયાના વરસાદ અને પાણી ભરાવાથી શહેરના વિકાસના આ વરવા દ્રશ્યો વડોદરા મહાનગરપાલિકાને સમર્પિત છે.કરોડોના ખર્ચે પ્રિ મોન્સુન ની કામગીરી છતાં અનેક વિસ્તારો પાણીમાં છે જે દર્શાવે છે કે ખર્ચ લેખે લાગ્યો નથી.શહેરના ધનાઢ્ય કહેવાતા જુના પાદરા રોડ વિસ્તારમાં પણ અનેક માર્ગો પાણીમાં ગરકાવ છે.એકાદ મોટું ઝાપટું પડે અને જળ બંબાકાર થઈ જાય છે.આ તરતો વિકાસ વિકાસ કામગીરી પર કડ્ડક દેખરેખનો અભાવ દર્શાવે છે.રસ્તા ઉપર પાણી ભરાતા રહેણાંક વિસ્તાર સહિત વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને રોજીંદુ જીવન ખોરવાયું છે.વડોદરા મહાનગર નહિ પણ અણ વિકસિત ગામડા જેવું લાગી રહ્યું છે...
Reporter: admin