એક દોઢ વર્ષની બાળકી ખુલ્લા મોઢાના સાંકડા બોરવેલમાં સરકીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.અમરેલી ના સુરગપૂરમાં આ ઘટના ઘટી છે અને છેક વડોદરા થી ndrf ટીમ ત્યાં પહોંચી ને બચાવમાં લાગી છે.બાળકી જીવતી બચે એવી શક્યતા ઓછી થતી જાય છે છતાં કોઈ ચમત્કાર અશક્ય નથી એવું ગણીને તંત્ર અને ટુકડીઓ તમામ પ્રયાસ કરી રહ્યા છે.
સદનસીબે વહેલી સવારના ૫ વાગે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી છે અને બેભાન હાલતમાં હોવાથી સારવાર માટે લઈ જવામાં આવી છે.ગુજરાતમાં અને દેશમાં,ખાસ કરીને ખેતરોમાં આવા ખુલ્લા મોઢાના સાંકડા અને ખૂબ ઊંડા બોરવેલ મોતના કૂંવા પુરવાર થઈ રહ્યા છે.વારંવાર આવા બનાવો બની રહ્યા છે. તેના કસૂરવારોને શોધીને કાયદાના કઠેરામાં ઊભા કરવાનો સમય પાકી ગયો છે.ગુજરાતમાં અને દેશના વિવિધ ભાગોમાં બાળકો બોરવેલમાં સરકી જઈને ફસાઈ જવાની જીવલેણ અને દયનીય ઘટનાઓ બની રહી છે.દુઃખ ની વાત છે કે આ ઘટનાઓ અટક્યા વગર બની રહી છે.ક્યારેક ગીરના જંગલોમાં થાળા વગરના કુંવાઓમાં સિંહ કે અન્ય વન્ય પ્રાણીઓ ખાબકી ને ફસાઈ જવાના બનાવો બને છે.આ ગંભીર માનવીય બેદરકારી છે જેને કાયદા થી ગુનો ગણવાની જરૂર છે. થાળા વગરના ખુલ્લા કુંવામાં ફસાઈ ગયેલાને બચાવવાનું પ્રમાણમાં સહેલું છે.સમયસર જાણ થઈ જાય તો થોડી ઓછી મહેનતે રેસ્કયુ થઈ શકે છે.પરંતુ ખુલ્લા છોડી દીધેલા બોરવેલ સાંકડા અને સેંકડો ફૂટ ઊંડા હોય છે.એટલે એમાં જે ગરકી ગયા હોય એમને બચાવવા મહા મહેનત કરવી પડે છે.કારણ કે એમાં ઉતારવાનો કોઈ રસ્તો નથી હોતો એટલે આધુનિક યંત્રોની મદદ લીધા વગર શક્ય નથી.ક્યારેક નજીક થી બીજો બોરવેલ ખોદીને ત્યાં સુધી પહોંચવું પડે છે.ટુંકમાં,ખૂબ તાલીમબદ્ધ અને આધુનિક ઉપકરણો,કેમેરા સજ્જ ટીમો આ અઘરી અને તાંત્રિક કુશળતા માંગી લેતી કામગીરી કરી શકે છે.પહેલા લશ્કરી ટુકડીઓ ની મદદ લેવાતી હવે ndrf આ કામમાં સહાય કરે છે.સ્થાનિક તંત્ર અને અગ્નિ શમન કર્મચારીઓ ને તાત્કાલિક રાહતની થોડી તાલીમ મળી છે એટલે તેઓ ફસાયેલા જીવને પ્રાણવાયુ મળતો રહે એવા પગલાં લે છે.
જો કે આ ગંભીર બેદરકારી છે જે ઘણાં કિસ્સાઓમાં જીવલેણ બને છે.આ સાંકડા મુખવાળી જગ્યાઓ હોવાથી ભૂલકાં અને નાના બાળકો તેમાં રમત રમતમાં સરકી જાય છે અને મોટી આફત સર્જાય છે.સરકારે હવે આ પ્રકારની રચનાઓ ખેતરમાં,વાડાઓમાં કે જ્યાં પણ હોય ત્યાં એના મુખને યોગ્ય રીતે મજબૂતાઇ થી ઢાંકી દેવાની જાહેર ચેતવણી આપવાની જરૂર છે.આ અંગે જાહેરાત કરીને લોકો પાસે થી જાણકારી મેળવી શકાય. ટીમો દ્વારા તપાસ થઈ શકે.અને તેના માલિકોને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવી,ગુનાઇત બેદરકારી ના કેસ હેઠળ કાયદેસરની કાર્યવાહી,દંડ અને સજાની જોગવાઇ કરવાની જરૂર છે.તાલીમબદ્ધ ટુકડીઓ બધે નજીકમાં ઉપલબ્ધ હોતી નથી.દૂર દૂર થી બોલાવવી પડે છે અને જેટલો વધુ સમય પસાર થાય,અસરગ્રસ્ત ની જાનહાનિ ની શક્યતા વધતી જાય છે.બોરવેલ ના માલિકો પોતાની જવાબદારી સમજીને ,તેને સુરક્ષિત કરવાના પગલાં લે કારણ કે તેમાં ઘરના બાળકો ફસાય એવી શક્યતા વધારે હોય છે.આ અંગે સરકાર અને સમાજે નક્કર કાર્યવાહી કરવી જ પડશે...
Reporter: News Plus