શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી અને વીજળી વિષયક તકલીફો થી વધી તંત્રની મુશ્કેલીઓ.પાણી અને વીજળીની તકલીફો ના થાય તો ઉનાળો આવ્યો એની ખબર જ ન પડે. હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી અને વીજળીની તકલીફો તંત્ર માટે માથાના દુઃખાવા જેવી બની ગઈ છે.કમોસમી વાવાઝોડું ત્રાટક્યું તેની સાથે જાણે કે વીજ વિષયક ઉપાધિઓ એકસામટી ત્રાટકી છે.
પહેલા તો માવઠા અને વાવાઝોડાને લીધે ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરતા તંત્રને કલાકો લાગી ગયા અને ભયંકર ગરમીમાં વીજળીના અભાવે એસી,પંખા અને ફ્રીઝ વગર લોકો હાલ બેહાલ થઇ ગયા.અકળાયેલા લોક ટોળાએ વીજ કંપનીની કચેરીઓ ને ઘેરો ઘાલ્યો અને પોલીસની મદદ લેવી પડી. આ મુસીબત ઓછી હોય તેમ બીજ બાજુ લોકોને સ્માર્ટ મીટર ચીટર હોય એવું લાગી રહ્યું છે.સ્માર્ટ મીટર લાગ્યા છે એ વપરાશકારો ની ફરિયાદ છે કે વીજ બિલ પહેલાની સરખામણીમાં ત્રણ ગણા આવી રહ્યા છે.રોષે ભરાયેલા વીજ ગ્રાહકોના ટોળા વીજ કંપનીની વિવિધ કચેરીઓમાં એકત્ર થઈને રોષ પ્રગટ કરી રહ્યા છે.
પાણીનું પણ એવું જ છે.શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદા પાણીની તો અન્ય વિસ્તારોમાં ઓછા દબાણ થી પાણી મળવાની ફરિયાદો ઉઠી રહી છે. ફતેપુરા ભૂતડી ઝાંપા રોડ પર પાણીની તંગી થી તંગ આવી ગયેલા રહીશોએ રસ્તા રોકો આંદોલન કરીને વાહન વ્યવહાર ખોરવી દીધો હતો.
Reporter: News Plus