ડભોઇ : દૂષિત પાણી તેમજ ગટરના ઉભરાતા પાણીના પરિણામે ઝાડા ઉલટી અને રોગચાળાની સ્થિતિ ડભોઇમાં ઉભી થઈ છે.
લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા હોય શાસક સાથે વિપક્ષ પણ મૌન મુદ્રામાં છે.મુખ્ય જિલ્લા અધિકારીની સૂચના મુજબ તા. 2 થી 14 ઓગસ્ટ સુધી તાલુકા આરોગ્યની ટીમે નગરમાં કામગીરી હાથ ધરી હતી.એક તરફ તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ નગરમાં પાણીના ત્રણ સેમ્પલ માંથી બે પાણીના સેમ્પલ બીન પીવા લાયક હોવાના આવ્યા હતા.ગટર ડ્રેનેજ 21 સ્થળે લીકેજ તેમજ 5 સ્થળે પીવાના પાણીની લાઈન લીકેજ મળી આવી હતી.છેલ્લા 12 દિવસમાં ઝાડાના 62 કેસ તેમજ ઝાડા ઉલટી ના 20 કેસ નોંધાયા છે.જેમાંથી ઝાડા ઉલટી ના 10 દર્દીઓને વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
ડભોઇ સીએચસી ખાતે 48 દર્દીઓ ને સારવાર અપાઇ હતી.જ્યારે તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા 24 લોકોને ઘરમાં જ સારવાર આપી નગરમાં ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું છે.તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે,નગરમાં પોલીસ સ્ટેશન પાસેની રાઈઝીંગ લાઈન તૂટી ગઈ હતી જેના સમારકામમાં દસ દિવસ જેટલો સમય લાગ્યો હતો.જેથી બંધ પડેલા પાંચ પંપીંગ સ્ટેશન ચાલુ થઈ જવાથી ઉભરાતી ગટરો અને લીકેજ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. સાથે જ નગરમાં ફેલાયેલા રોગચાળાબાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કમ્પ્લેન મળી ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
Reporter: admin