નવી દિલ્હી : ઝારખંડમાં આજે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થવાનું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે.
ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ 683 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે.બીજીબાજુ વાયનાડ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
આ બેઠકો પર બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રક્રિયામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે. પહેલા તબક્કામાં 73મહિલા સહિત 683 ઉમેદવારો મેદાનમાં છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 43 બેઠકોમાંથી 30 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા, ૨૫ બેઠકો પર ભાજપ અને 16 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.
Reporter: admin