News Portal...

Breaking News :

કોંગ્રેસના આરોપીઓ કોર્ટમાં બિનશરતી માફી માગી વિજય રૂપાણીએ દાવો પાછો ખેંચી લેવાનો કર્યો નિર્ણય

2024-10-02 13:06:03
કોંગ્રેસના આરોપીઓ કોર્ટમાં બિનશરતી માફી માગી વિજય રૂપાણીએ દાવો પાછો ખેંચી લેવાનો કર્યો નિર્ણય


અમદાવાદ : રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે બે વર્ષ અગાઉ કોંગ્રેસના નેતાઓ દ્વારા 500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. 


જેના પગલે તેમણે તત્કાલીન વિપક્ષ નેતા સહિત ચાર જેટલા વ્યક્તિઓ સામે ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો. હવે આરોપીઓએ બિનશરતી માફી માગી લેતા આ દાવો પરત ખેંચવામાં આવ્યો છે.તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સહારા કંપનીની જમીનમાં ઝોનફેર કરી 500 કરોડ રૂપિયા કરતાં વધારે રકમનું નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાની આક્ષેપ કરતી પ્રેસ કોન્ફરન્સ તત્કાલીન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના ધારાસભ્ય એવા સી.જે ચાવડા, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી.જેમાં  આક્ષેપને પગલે રાજકીય માહોલ ગરમાયો હતો અને જેના પગલે વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટમાં આ ચારેય વ્યક્તિઓ સામે બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. 


જોકે આ સમયે રૂપાણી દ્વારા તેમની ઉપર કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેરમાં અને ત્યારબાદ કોર્ટમાં માફી માગી લેવામાં આવશે તો દાવો પરત ખેંચવાની પણ તૈયારી બતાવી હતી ત્યારે ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીઓ સામે સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ કોર્ટમાં હાજર રહેતા ન હતા અને કોર્ટ દ્વારા આખરી મુદતનો હુકમ કરવામાં આવ્યો હતો અને જો આરોપીઓ હાજર ન થાય તો તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવશે તેવું પણ જણાવી દેવામાં આવ્યું હતું. જેના પગલે આ આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા અને બિનશરતી માફી માગી લેવામાં આવી હતી. જેથી કોર્ટ દ્વારા ફરિયાદી એવા વિજય રૂપાણીને આગળ કેસ ચલાવો છે કે નહીં તે સંદર્ભે પૂછવામાં આવ્યું હતું પરંતુ તેમણે દાવો પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.

Reporter: admin

Related Post