News Portal...

Breaking News :

આ તો બે ઘડી ગમ્મત... વડોદરાની માતૃ સ્વરૂપા નગર સેવિકાઓ એ પાણી થી સાચવવું....

2024-06-08 13:55:31
આ તો બે ઘડી ગમ્મત... વડોદરાની માતૃ સ્વરૂપા નગર સેવિકાઓ એ પાણી થી સાચવવું....


 ચોમાસા પહેલા વરુણ દેવને વધાવવા આજવા ખાતે મનપા દ્વારા સત્ય નારાયણ ભગવાન ની કથા કરાવવી એ વર્ષો થી ચાલી આવતી ધર્મ શ્રધ્ધાની પરંપરા છે.નગર સેવકો,પદાધિકારીઓ અને મીડિયા તથા મનપા અધિકારીઓ એમાં હરખભેર ભાગ લે છે



આ વર્ષે કથાના સમાપન પછી નગર સેવિકા  દ્વારા જળ દેવતાના પૂજન સમયે એક બહેન ડગલું ચૂકી ગયા અને ધબ્બ દઈને પાણીમાં પડ્યા.જો કે એમની સાથે અન્ય લોકો હતા અને સૌની સમયસૂચકતા થી તેઓને તુરત જ પાણીમાં થી બહાર કાઢી લેવામાં આવ્યા અને જાણે કે એમના માથે થી ઘાત ગઈ.મંગળ પ્રસંગે અમંગળ ઘટના ટળી.આમે ય પાણી,પવન અને અગ્નિ થી ખૂબ સાવચેત રહેવું જરૂરી છે.જળ પૂજન એક પરંપરા છે.છઠ પૂજન હવે તો યોજાય છે ત્યારે બહેનો નદી કાંઠે સૂર્ય દેવની સાધના કરે છે.આ સમયે સાવધાની ના રહે કે જરા સરખી ગફલત થાય તો મોટી દુર્ઘટના ઘટે છે.ભૂતકાળમાં સુરસાગરમાં આવી ઘટના ઘટી હતી.ત્યાં હોડી પરિવહન સુવિધાના પ્રારંભ પ્રસંગે તત્કાલીન નાયબ મેયર અને નગર સેવિકા બહેન અને સાથે અન્ય કેટલાક લોકો પાણીમાં પડી ગયા હતા.જો કે સદનસીબે કિનારો નજીક હોવાથી સૌ નો સુખદ બચાવ થયો હતો.લાગે છે કે વડોદરાની માતૃ કે ભગિની સ્વરૂપા નગર સેવિકા ઓ ને પાણી સાથે મેળ નથી.ક્યારેક તેઓ અકસ્માતે પાણીમાં પડી જાય છે તો ક્યારેક તેમના વિસ્તારમાં પાણી ના મળવા કે ગંદુ પાણી મળવાની ફરિયાદો તેમને મૂંઝવણમાં મૂકે છે.એટલે કે પાણીની બાબતમાં આ લોકો ખૂબ સાવધાન રહે તે જરૂરી છે.લેક ઝોનની કરુણ જળ હોનારત થી નિર્દોષ શિક્ષિકા ઑ અને ભૂલકાઓ એ જીવ ગુમાવ્યા અને તેની સાથે શહેરનું સંચાલન જેમના હાથમાં છે એવા નગર સેવક - સેવિકાઓ અને પદાધિકારીઓ ને પણ નીચાજોણું થયું.આવી દુર્ઘટનાઓમાં સીધી જવાબદારી ના હોય તો પણ અંતરાત્મા  દુઃખી થાય છે કારણ કે માનવીય સંવેદના દુભાય છે.


અને વડોદરાના લોકો અને લોક પ્રતિનિધિઓ ના હૃદય ને એ ઘટના થી  થયેલા ઝખ્મો હજુ રૂઝાયા તો નથી જ.ભૂતકાળમાં ક્યારેક વડોદરાના પત્રકારો અને તેમાં ય લગભગ અગ્રણી પ્રેસ ફોટોગ્રાફરો પાણીમાં અસાવધાની દાખવવા ને લીધે જોખમમાં મુકાયા હતા .પરંતુ સદનસીબે સૌ નો સુખદ બચાવ થયો હતો.પ્રસંગ હતો પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીના ચાણોદ ખાતે નર્મદા જળમાં અસ્થિ વિસર્જનનો.એક અસ્થિ કુંભ ગુજરાત લાવવામાં આવ્યો હતો અને દક્ષિણ પ્રયાગ તીર્થ મોરલી સંગમના નર્મદા જળમાં એનું વિસર્જન કરવાનું હતું.તે સમયે બે હોડીઓ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.આગળની હોડીમાં નેતાઓ અસ્થિ કુંભ સાથે બેઠા હતા.અને ફોટોગ્રાફર મિત્રો વિસર્જનની તસવીરો લઈ શકે એ માટે પાછળ બીજી હોડીમાં સવાર હતા. વિસર્જન સમયે ફોટોગ્રાફર એ વિસરી ગયા કે તેઓ નર્મદા વચ્ચે હોડીમાં છે.બધા ફોટો લેવા આગળની બાજુએ ધસી જતા સમતુલન ખોરવાયું અને હોડી એક તરફ નમી ગઈ.જો કે કુશળ નાવિકોએ હોડી સંભાળી લીધી અને બધાને ભાર વહેંચાય એ રીતે ગોઠવી દઈને સમતુલા ફરી થી સ્થાપિત કરી.જો કે એ દરમિયાન  કુંભના અસ્થિ નર્મદા નદીમાં પ્રવાહિત કરી દેવાતા ભાગ્યે જ કોઈ ફોટો લઈ શક્યું!!ઘટના નો બોધપાઠ એ છે કે પાણી,પવન અને અગ્નિ સમીપ હોય ત્યારે હંમેશા સાવધ રહેવું,બેધ્યાન ન થવું,નહિતર ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે...

Reporter: News Plus

Related Post