વડોદરા એરપોર્ટને બોંબથી ઉડાડી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા જ દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ એરપોર્ટ સિક્યુરિટીમાં તૈનાત સીઆઈએસએફના જવાનોએ ઘનિષ્ઠ ચેકિંગ શરુ કર્યું હતુ.
ઉપરાંત, વડોદરા પોલીસ, બોંબ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જોકે, ઘનિષ્ઠ ચેકિંગ પછી પણ કશું શંકાસ્પદ નહીં મળતા એરપોર્ટ તંત્રે હાશકારો અનુભવ્યો હતો.આજે બપોરે વડોદરા એરોપોર્ટને બોંબથી ઉડાડી દેવાની ધમકીભર્યો પત્ર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મળ્યો હતો. જેને આધારે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. ઉપરાંત, એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોનું ચેકિંગ અને એમના સામાનનું પણ સ્કેનિંગ તથા ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. એરપોર્ટ પર રોકાતા તમામ પેસેન્જર વ્હીલ્સ અને પ્રાઈવેટ વાહનોને પણ ચેક કરવામાં આવ્યા હતા.
અર્ધ સૈનિક દળ અને વડોદરા પોલીસના જવાનોએ એરપોર્ટના પાર્કિંગના તમામ વાહનોનું પણ ચેકિંગ કર્યું હતુ. જોકે, કશું શંકાસ્પદ નહીં મળતા સુરક્ષા એજન્સીઓએ સબ સલામત હૈનો રિપોર્ટ આપ્યો હતો. જેને પગલે વડોદરા એરપોર્ટ તંત્રે હાશકારો અનુભવ્યો હતો. જોકે, પોલીસના ચેકિંગને લીધે મુસાફરોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.
Reporter: News Plus