ભોપાલ : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પોલીસ કમિશનરની ઓફિસ પાસેના એક ચોક પર સ્થિત પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર શનિવારે અજાણ્યા લોકોએ જૂતા મૂક્યા હતા.
આ અંગેની માહિતી મળતા જ કોંગ્રેસના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રતિમાને દૂધથી નવડાવી હતી. તેઓએ નારા પણ લગાવ્યા કે તેઓ પૂર્વ પીએમ શાસ્ત્રીનું અપમાન સહન નહીં કરે. કોંગ્રેસના નેતાઓએ પ્રશાસનને કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અન્યથા 5 દિવસ પછી પ્રદર્શન અને આંદોલન કરવામાં આવશે.કોંગ્રેસના નેતાઓએ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પર પણ સવાલો ઊઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે, 'જો પોલીસ કમિશનર કચેરી પાસે આવી ઘટના બની શકે તો શહેરમાં કોઈ સુરક્ષિત નથી.' આ દરમિયાન માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. અરેરા હિલ્સ પોલીસ સ્ટેશનના પ્રભારી મનોજ પટવાએ કહ્યું કે, 'અમને માહિતી મળી હતી કે અહીં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાના ખભા પર કોઈએ જૂતા મૂક્યા છે. અમે ઘટનાસ્થળે પહોંચી ગયા છીએ અને ઘટનાની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.'
Reporter: admin