ચોમાસાની ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે શહેર જિલ્લામાંથી વિવિધ સરીસૃપ પ્રાણીઓ જાહેર જગ્યાએ આવી ચડતા તેઓનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ છોડવાની કામગીરી જીવ દયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
શહેરના લક્ષ્મીપુરા ગામમાં પાદરા રોડ પર આવેલ ઘોડાના તબેલામાંથી ત્રણ ફૂટના મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે શહેર સહિત વડોદરા જિલ્લામાં સરીસૃપ પ્રાણીઓ ખૂલી જગ્યાએ પહોંચી ગયાની ઘટનાઓ સામે આવે છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં શહેર જિલ્લામાંથી બે મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ગત તારીખ 9ના રોજ ટ્રસ્ટના પ્રમુખ અરવિદ પવાર પર રાત્રિના 1 કલાકે કોલ આવ્યો હતો તે મુજબ ગુજરાત ટ્રેકટર કંપનીમાં એક મગર ચડી આવ્યો હતો.
આ મગર લંબાઈ સાડાત્રણ ફૂટ જેટલી હતી. મગર અંગેની જાણકારી ટ્રસ્ટના કાર્યકરોને મળતા તેઓએ વનવિભાગના નીતિન પટેલને સાથે લઈને મગરના રેસ્ક્યુ કામ માટે ગુજરાત ટ્રેકટર કંપની ખાતે પહોંચ્યા હતા અને સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ કર્યું હતું. બીજા બનાવની વાત કરીએ તો લક્ષ્મીપુરા ગામમાં આવેલ ઘોડાના તબેલામાં ત્રણ ફૂટની લંબાઈ ધરાવતો મગર આવી પહોંચ્યો હતો. આ ઘટના અંગે પણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવતાં સંસ્થાનાં કાર્યકર ભૂમિબહેન દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
Reporter: News Plus