ભટાર રોડ પર આશીર્વાદ પેલેસમાં રહેતા અને સચિન હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલમાં ફેક્ટરી ધરાવતા 47 વર્ષીય દીપક ધરમચંદ્ર છાબડાની માતાએ વર્ષ 2008માં નરેશ શાહ પાસેથી ડુમસ સાયલન્ટ ઝોનમાં પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટ પર તેઓ 30મી એપ્રિલે સીસીટીવી કેમેરા ફીટ કરાવતા હતા. દીપક તેના મિત્ર સહિત 5 જણા સાથે પ્લોટ પર હાજર હતા. તે વેળા ચાર ઈસમો ત્યાં આવ્યા હતા જેમાં એકનું નામ નાનુ ભરવાડ અને બીજાનું મેરૂ ભરવાડ છે. ચારેય જણાએ આવી વેપારીને કહ્યું કે, આ પ્લોટમાં કેમ સીસીટીવી કેમેરા ફીટ કરો છો, તમને કેમેરા ફીટ કરવા દઈશું નહિ, અમને 5 લાખ રૂપિયા આપો નહિ તો પ્લોટ ખાલી કરાવી દઈશું, આ સીસીટીવી કેમેરા અહીંથી હટાવી લો નહિતર બીજા દિવસે આ કેમેરા અને તમે દુનિયામાં દેખાશો નહિ, એવી ધમકી આપી હતી. બાદ કેમેરા, સિક્યુરિટી ગાર્ડને રહેવા માટેનું ટેન્ટ અને નોટિસ બોર્ડને તોડફોડ કરી 30 હજારનું નુકસાન કર્યું હતું. ડુમસ પોલીસે નાનુ ભરવાડ અને મેરૂ ભરવાડ સહિત 4 સામે ખંડણી, ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી નાનુ અને મેરૂની ધરપકડ કરી છે.
Reporter: News Plus