- ધારાસભ્યોના નામે ફાયદો મેળવવાનો કારસો
બંને ધારાસભ્યોએ સ્ક્રીન શોટ શેર કરી કોઈ લેણદેણ ન કરવા અપીલ કરી વડોદરામાં ભાજપ ના બે ધારાસભ્યોના બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા હોવાનું સામે આવ્યું છે. કોઈ ભેજાબાજ દ્વારા બંને ધારાસભ્યોના નામનો ઉપયોગ કરીને ફાયદો કરવાની પેરવી કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. જો કે આ બંને ધારાસભયોએ કોઈ લેણદેણ ન કરવા અપીલ કરી છે.
વડોદરાના વાડી બેઠક પરથી ભાજપના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ ચૂંટાઇને આવ્યા છે. તેઓ અગાઉ રાજ્ય સરકારના મંત્રી પણ રહી ચુક્યા છે. અને શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક પર ભાજપના કેયુર રોકડિયા ચૂંટાઇને આવ્યા છે. વિતેલા 12 કલાકમાં બંને ધારાસભ્યો દ્વારા પોતાના ઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા હોવાની જાણકારી આપવામાં આવી છે. અને તેના સ્ક્રિનશોટ પણ શેર કરવામાં આવ્યા છે. અગાઉ પણ અનેક નેતાઓના આવા ફેક એકાઉન્ટ બની ચુક્યા છે. ત્યારે આ અંગે સાયબર ક્રાઇમમાં પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.
Reporter: News Plus