ઝાંપો તો પહોળો હોય.એમાં સરળતા થી પ્રવેશી શકાય અને સહેલાઇ થી પસાર થઈ શકાય.વડોદરાના એ રસ્તા સાથે ઝાંપાનું નામ જોડાયું છે પણ એના જેવો બીજો કોઈ સાંકડો અને ગીચ રસ્તો શહેરમાં શોધવો મુશ્કેલ છે. આ રસ્તો છે મદન ઝાંપા રોડ.ન્યાય મંદિર થી નવાપુરા,આર.વી. દેસાઇ રોડ થઇને પ્રતાપનગર જવાનો આ સહેલો રસ્તો છે.હા,આ રસ્તો રાજમહેલ રોડ કે પાછળ આવેલા લહેરીપુરા ન્યૂ રોડ જેટલો પહોળો તો નથી.પરંતુ એટલો બધો સાંકડો પણ નથી.છતાં અહીથી વાહન લઇને તો શું ચાલતા પસાર થવું અઘરું છે. આ રસ્તાની શરૂઆતના સો એક મીટર સુધી બંને તરફ હારબંધ સાયકલની દુકાનો છે.પરંતુ સાયકલ સવારો આ રસ્તે થી નીકળવાનું ભાગ્યેજ પસંદ કરે. સાયકલના વેપારીઓ એ બંને તરફ ફૂટપાથો કબ્જે કરી લીધી છે જેના પર સાયકલો અને તેના માટે જરૂરી ટ્યુબ ટાયર સહિતની સામગ્રીનો ખડકલો કરે છે.કેટલાક તો રસ્તા પર પણ મૂકી દે છે.
ફૂટપાથો છીનવાઈ જતાં રાહદારીઓ એ અને ખરીદદારો એ નાછૂટકે રસ્તા પર ચાલવું પડે. ટુ વ્હીલર,મોટા વાહનો અને રિક્ષાઓ ની બંને તરફ અવર જવર રહે.એટલે રાહદારીઓ અને વાહન સવારોને અકસ્માતના જોખમ વચ્ચે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે.સાયકલ બજારમાં કદાચ હરીફાઈ એટલી તીવ્ર હશે કે વેપારીઓને પોતાનો માલ ગ્રાહકોને દેખાડી આકર્ષવાની જરૂર પડતી હશે.એટલે કદાચ આવું બનતું હશે. પાલિકા વારંવાર આ લોકોને રસ્તાઓ અને ફૂટપાથો પર દબાણ ન કરવા સૂચના આપે છે.લોકોની ફરિયાદો બહુ વધી જાય ત્યારે નગર સેવકો મેદાનમાં ઉતરે છે અને પાલિકા તંત્રની મદદ થી દબાણ હટાવો ઝુંબેશ કરે છે.પણ તેની અસર માંડ ચોવીસ કલાક રહે છે.પછી પાછી પરિસ્થિતિ યથાવત થઈ જાય છે. જો કે માત્ર મદન ઝાંપા રોડના સાયકલના વેપારીઓનો વાંક કાઢવો યોગ્ય નથી.એમ.જી.રોડ, ટાવર રોડ સહિત મોટાભાગના રસ્તાઓ પર ફૂટપાથ તો જાણે દુકાનદારો વેચાણની વસ્તુઓ મૂકી શકે એ માટે જ બનાવવામાં આવે છે.રાહદારીઓ એ તો અકસ્માતનું જોખમ વહોરીને રસ્તાઓ પર જ ચાલવું પડે છે.
એટલે માત્ર સમયાંતરે દબાણ હટાવો ઝુંબેશ પૂરતી થશે એવું લાગતું નથી.પાલિકાની ટીમે દર અઠવાડિયે મુલાકાત લઈને જે વેપારીઓનો માલ ફૂટપાથ પર ખડકાયો હોય તેને કબ્જે લેવો જોઈએ અથવા સ્થળ પર દંડ વસૂલ કરવો જોઈએ.કડકાઈ વગર છૂટકો નથી.સયાજીનગરીમાં સયાજી મહારાજની રૈયત ચાલવા માટે ફૂટપાથ શોધે એ સ્થિતિ નિવારવા ની જરૂર છે.વેપાર કરવા માટે ફૂટપાથ પર માલ સામાનનો ઢગલો કરવાથી વેચાણ વધે એવું માની લેવું યોગ્ય નથી જાતે સુધરવું પડે અથવા મનપા એ સુધારવા પડે. એ સિવાય કોઈ વિકલ્પ જણાતો નથી...
Reporter: News Plus