મુંબઇ: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા પિંપરી-ચિંચવડમાં અજિત પવારને મોટો આંચકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવ અને બેઠકોની વહેંચણીમાં ઓછી બેઠકો મળવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં હવે તેમના સાથીઓ તેમને છોડીને ફરી પાછા મૂળ પક્ષમાં જઈ રહ્યા છે.
એનસીપીના પિંપરી- ચિંચવડ વિસ્તારના ચાર મોટા નેતાઓ સહિત પચીસ નેતાએ રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડી ચૂકેલા નેતાઓ શરદ પવારના જૂથ એનસીપી (એસપી)માં જોડાઈ ગયા હતા.એનસીપીના પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવ્હાણે, પિંપરી-ચિંચવડ વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, ભૂતપૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકર અને લગભગ 20 ભૂતપૂર્વ નગરસેવકો સહિત પચીસ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.બુધવારે બધા પચીસ નેતાને એનસીપી (એસપી)માં સામેલ કરી લેવામાં આવ્યા હતા.
એનસીપીના પ્રવક્તા ઉમેશ પાટીલે સ્વીકાર્યું હતું કે કોઈપણ નેતા કે કાર્યકર્તાઓ પાર્ટી છોડે છે તે એક આંચકો છે.સૂત્રોએ જણાવ્યું હતું કે મહાયુતિમાં ભોસરી વિધાનસભાની બેઠક મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં ગવ્હાણેએ રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં એનસીપીને માત્ર એક જ બેઠક રાયગઢમાં જીત મળી હતી, મહાવિકાસ આઘાડી (એમવીએ)એ 48માંથી 30 બેઠકો જીતીને મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનને આંચકો આપ્યો હતો.
Reporter: admin