ઈડર: ગુજરાત રાજય સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને શાળામાં જવા કોઈ તકલીફ ન પડે તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે ખાનગી એજન્સીઓ પાસેથી સાયકલ ખરીદી થઈ હતી.ત્યારે ઈડર તાલુકાનાં ગોધમજી ખાતે આવેલ આદિવાસી છાત્રાલયમાં એક વર્ષથી અંદાજે 1350 સાયકલો વિતરણ વિના જ પડી છે.
ત્યારે તંત્રે સમગ્ર મામલે દોષનો ટોપલો કોન્ટ્રાક્ટરને માથે થોપી દીધો છે. હવે જોવાનું એ રહે છે કે સંલગ્ન વિભાગના અધિકારીઓ સાબરકાંઠા જિલ્લામાં કયારે આ સાયકલોનું વિતરણ કરે છે?આ અંગેની વિગત એવી છે કે ઈડર તાલુકાનાં ગોધમજી નજીક ખેડ તસિયા રોડ પર આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર આદિવાસી છાત્રાલયમાં વર્ષ 2023 માં 1350 સરકારી સાયકલો લવાઈ હતી. પરંતુ, એક વર્ષ સુધી આ સાયકલો ગોધમજીનાં આદિવાસી છાત્રાલયનાં પ્રાંગણમાં કાટ ખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સમગ્ર સાબરકાંઠા સહિત રાજયમાં વર્ષ 2024 માં શાળા પ્રવેશોત્સવ પૂર્ણ થઈ ગયો છે.ત્યારે હજુ સુધી ગત વર્ષે લવાયેલી સાયકલોનું વિતરણ કરવામાં સંલગ્ન વિભાગ ઊણુ ઉતર્યુ છે. એટલુ જ નહીં પણ આ અંગે અધિકારીઓ દ્વારા દોષનો ટોપલો સાઇકલોને એસેમ્બલ કરનાર ઈજારદાર પર ઢોળવામાં આવી રહયો છે, જેથી પ્રજામાં એવું ચર્ચાઈ રહયુ છે કે વિદ્યાસાધના યોજના હેઠળ વિતરણ થનાર સાયકલનાં અભિગમના લીરેલીરા ઊડી રહયા છે. હવે તો જોવાનું એ રહે છે કે આ અંગે સંલગ્ન વિભાગ ક્યારે સાઇકલોનું ક્યારે વિતરણ થશે.
Reporter: admin