વોશિંગ્ટન : ટ્રમ્પ સરકારે ઈરાનની આર્થિક કરોડરજ્જુ તોડવા માટે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે.
અમેરિકાએ ચીન સ્થિત એક અગ્રણી ઓઇલ રિફાઈનરી અને ઈરાની ઓઇલના પરિવહન સાથે જોડાયેલી અંદાજે 40 જેટલી શિપિંગ કંપનીઓ અને ટેન્કરો પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. આ પગલું ઈરાનના મહેસૂલના મુખ્ય સ્ત્રોતને સંપૂર્ણપણે ખતમ કરવાના વ્યાપક અભિયાનનો એક ભાગ માનવામાં આવે છે.શુક્રવારે જાહેર કરાયેલા આ પ્રતિબંધોમાં ડાલિયાન બંદર ખાતે આવેલી ચીનની સૌથી મોટી સ્વતંત્ર રિફાઈનરીઓમાંની એક એવી હિંગલી પેટ્રોકેમિકલ (Hengli Petrochemical) નો સમાવેશ થાય છે. આ રિફાઈનરી પ્રતિદિન 4 લાખ બેરલ ક્રૂડ ઓઈલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકી નાણા વિભાગના જણાવ્યા અનુસાર, હિંગલી રિફાઈનરી 2023થી ઈરાન પાસેથી ઓઇલ મેળવી રહી છે, જેના દ્વારા ઈરાની સેનાને કરોડો ડોલરની આવક થાય છે.અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસન્ટે સ્પષ્ટ કર્યું છે કે તેમની એજન્સી ઈરાન દ્વારા વૈશ્વિક બજારમાં ઓઇલ પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા જહાજો, વચેટિયાઓ અને ખરીદદારોના નેટવર્કને તોડવાનું ચાલુ રાખશે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાએ ચીન, હોંગકોંગ, યુએઈ અને ઓમાનની નાણાકીય સંસ્થાઓને પત્ર લખીને ઈરાન સાથે વેપાર કરવા બદલ પ્રતિબંધોની ધમકી આપી હતી
Reporter: admin







