News Portal...

Breaking News :

વૈષ્ણવને ટીમમાં સ્થાન નહીં, છતાં દ્વારકેશલાલજીના આશીર્વાદ લેવા ગયેલા શહેર પ્રમુખ પર ભાજપમાં ચર્ચા

2026-03-14 10:29:18
વૈષ્ણવને ટીમમાં સ્થાન નહીં, છતાં દ્વારકેશલાલજીના આશીર્વાદ લેવા ગયેલા શહેર પ્રમુખ પર ભાજપમાં ચર્ચા


શહેર ભાજપની નવી ટીમની જાહેરાત બાદ આંતરિક અસંતોષ તેજ, કાર્યકરોમાં અવગણનાના આક્ષેપ



પૂર્વ કોર્પોરેટર આશિષ જોશીનો કટાક્ષ – “શહેરનો ઇતિહાસ-ભૂગોળ ખબર નથી અને 76 સીટ જીતાડવાની વાતો કરે છે
વડોદરા શહેર ભાજપનું સંગઠન અને વિવિધ મોરચાની જાહેરાત થયા બાદ ભાજપમાં આંતરિક વિવાદ વધ્યો છે. ત્યારે શુક્રવારે સાંજે શહેર પ્રમુખ જયપ્રકાશ સોની વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજનાં દર્શન કરવા જતાં શહેર ભાજપમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ભાજપનાં કાર્યકરોમાં ચર્ચા છે કે આ એ જ શહેર પ્રમુખ છે જેમણે તેમની નવી ટીમમાં શહેરના એક પણ વૈષ્ણવને સ્થાન આપ્યું નથી. તેમણે રીતસર વૈષ્ણવોની અવગણના કરી છે અને આમ છતાં તેઓ દ્વારકેશલાલજી મહારાજના દર્શન કરવા ગયા હતા. એટલે કાર્યકરોમાં ચર્ચા છે કે તેઓ કયા મોંએ દર્શન કરવા ગયા. શહેર ભાજપમાં ઘણા વૈષ્ણવ આગેવાનો અને કાર્યકરો છે છતાં જયપ્રકાશ સોનીએ તેમને તેમની ટીમમાં સ્થાન આપ્યું નથી. તેમણે વૈષ્ણવોની ધરાર અવગણના કરી છે અને હવે વૈષ્ણવાચાર્યજીના દર્શન કરવા ગયા તે વાતથી ભાજપના કાર્યકરોના ભવાં ખેંચાયા છે. શહેરમાં વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં છે અને ઘણા વૈષ્ણવ અગ્રણીઓ અત્યાર સુધી પક્ષમાં સારી સેવા આપી ચૂકેલા છે. ઘણા કાર્યકરો એવા છે કે તેઓ પક્ષના સન્નિષ્ઠ કાર્યકરો છે, પણ જયપ્રકાશ સોનીએ તેમને પક્ષના સંગઠનમાં કામ કરવા માટે યોગ્ય માન્યા નથી અને તેથી જ તેમણે એક પણ વૈષ્ણવનો તેમની ટીમમાં સમાવેશ કર્યો નથી. તેઓ દ્વારકેશલાલજી મહારાજનાં આશીર્વાદ લેવા ગયા ત્યારે તેમની સાથે ઘણા ભાજપના અગ્રણીઓ પણ જોડાયા હતા.



આશિષ જોશીનો કટાક્ષ: પાટણ અને પોરબંદરથી આવેલા લોકો 76 સીટ જીતાડવાની વાતો કરે છે
શહેર પ્રમુખ હવે ચૂંટણી આવી રહી છે ત્યારે અતિ આત્મવિશ્વાસમાં આવી ગયા છે. તેમણે એક ચેનલના ઇન્ટરવ્યૂમાં શહેરમાં ભાજપ કોર્પોરેશનની 76માંથી 76 સીટો જીતશે તેવો દાવો કર્યો છે. તેમનાં આ દાવા પર વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર આશિષ જોશીએ કટાક્ષ કર્યો છે કે શહેર પ્રમુખ કહે છે કે હું 76માંથી 76 સીટ જીતાડીશ, પણ હું શહેરના 6 લોકેશન તેમને આપું તો તમે એકલા એક્ટિવા પર પહોંચીને બતાવો તો ખરા. આશિષ જોશીએ કહ્યું કે જેમને શહેરનો ઇતિહાસ અને ભૂગોળ ખબર નથી તે કહે છે કે હું 76 સીટ જીતાડીશ. તેમની આગળનાં પ્રમુખ વૈષ્ણવ-ડૉક્ટર-પૂર્વ ચેરમેન હતા, તો પણ તેઓ 76 સીટ જીતાડી શક્યા ન હતા. પાટણ અને પોરબંદરથી આવેલા લોકો 76 સીટ જીતાડવાની વાતો કરે છે. આજે હમણાં જ પ્રમુખ દ્વારકેશલાલજી મહારાજનાં દર્શન કરીને નીકળ્યા છે. આખા શહેરમાં વૈષ્ણવો છે. ચાર મોટા વૈષ્ણવ છે, પણ એક પણ વૈષ્ણવને તો પ્રમુખે તેમની ટીમમાં લીધો નથી. અગાઉનાં પ્રમુખ વિજય શાહ પણ 69 સીટ જીતાડી શક્યા હતા. ચોફેરથી કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર કર્યો, લોકોને ગંદુ પાણી પીવડાવ્યું અને તમે માનો છો કે લોકો વોટ આપશે? તમે વડોદરામાં ટેન્કર રાજ ઊભું કર્યું છે અને વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે, અને 76 બેઠકો જીતવાની વાતો કરો છો.

Reporter: admin

Related Post