ABVP વિરુદ્ધ કામ કરનારાઓને સ્થાન મળ્યું હોવાના આક્ષેપથી સંગઠનમાં અસંતોષ .
ભાજપમાં ‘કામ’ નહીં, ‘કયા નેતાનો માણસ?’ એ જ માપદંડ! જૂના પ્રમુખના ગ્રુપને સાઇડલાઇન કરવાનો ખેલ?

વાલ્મિકી સમાજને ઉચ્ચ સ્થાન ન મળતા યુવા નેતા રોનક સોલંકીનો પત્ર.
તાજેતરમાં શહેર ભાજપ સંગઠનનાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ વિવિધ મોરચાઓમાં પણ કારોબારી સભ્યો સહિતના હોદ્દેદારોની નિમણૂકો કરાઈ છે. જોકે આ નિમણૂકોમાં ભારે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો ગણગણાટ ભાજપના કાર્યકરોમાં ચાલી રહ્યો છે. આ મુદ્દો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યો છે, કારણ કે હર્ષ સંઘવી વડોદરાના પ્રભારી મંત્રી પણ છે.કેટલાક જૂના અને સંનિષ્ઠ કાર્યકરોને આ વખતે કોરાણે મૂકી દેવામાં આવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અને કેટલાક કાર્યકરોને કોઈ નેતાનું લેબલ લગાવી હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શહેર ભાજપ યુવા મોરચાનાં પૂર્વ મંત્રી અને કાર્યકર રોનક સોલંકીએ ડેપ્યુટી મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે વાલ્મિકી સમાજને ઉચ્ચ કક્ષાએ પ્રાધાન્ય આપવા અંગે ફેરવિચારણા કરવી જરૂરી છે.પત્રમાં તેમણે લખ્યું છે કે તેઓ વાલ્મિકી સમાજનાં વર્ષોથી સક્રિય ભાજપ કાર્યકર છે અને વોર્ડના યુવા મોરચા મંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે. હાલ શહેર સંગઠન દ્વારા યુવા મોરચા તેમજ વાલ્મિકી યુવા મોરચામાં વાલ્મિકી સમાજને ઉચ્ચ કક્ષાએ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી, જે દુઃખદ બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે મોદી સરકાર દરેક સમાજ અને વર્ગને સમાન સ્થાન આપવાની વાત કરે છે અને વાલ્મિકી સમાજને શિક્ષણ તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધારવા પ્રયત્ન કરે છે. છતાં વડોદરા શહેરમાં વાલ્મિકી સમાજને યોગ્ય સ્થાન ન મળવું સમાજ માટે અપમાનજનક છે. તેથી પક્ષમાં વાલ્મિકી સમાજને યોગ્ય પ્રાધાન્ય આપવા ઐતિહાસિક નિર્ણય લેવા તેમણે વિનંતી કરી છે.
વાલ્મિકી સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી
વાલ્મિકી સમાજની એકતા અને મજબૂત સંગઠન માટે ગુરુવારે રાત્રે બરાનપુરા વિસ્તારમાં રોનક સોલંકી દ્વારા “વાલ્મિકી યુવા શક્તિ ગ્રુપ”ની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વાલ્મિકી સમાજના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં વાલ્મિકી સમાજને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ સ્થાન મળે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.રોનક સોલંકીએ જણાવ્યું હતું કે બેઠકમાં સમાજને આગળ કેવી રીતે લાવવો તે મુદ્દે ચર્ચા થઈ હતી. ભાજપ સરકાર દ્વારા સમાજને મળતા લાભો સારા છે, પરંતુ સમાજનાં કાર્યકરો જે મહેનત કરે છે તેના પ્રમાણે તેમને સ્થાન મળતું નથી. તેથી પક્ષમાં વાલ્મિકી સમાજને યોગ્ય પ્રાધાન્ય આપવા માંગ કરવામાં આવી છે.

એબીવીપીનાં કાર્યકર્તા સાથે મારામારી કરનાર પર કોના આશીર્વાદ?
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) આરએસએસનું સૌથી જૂનું અને વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે, જે વિદ્યાર્થીઓ વચ્ચે જઈ રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય કરે છે અને વિવિધ વિદ્યાર્થી મુદ્દાઓ તેમજ યુનિવર્સિટી ચૂંટણીમાં સક્રિય રહે છે.આક્ષેપ મુજબ હાલ નિમણૂંક પામેલા યુવા મોરચાના કેટલાક પદાધિકારીઓએ યુનિવર્સિટીમાં ABVPને નબળું પાડવા પ્રયાસ કર્યા હતા અને VVS નામનું અલગ સંગઠન ઉભું કરીને ABVPનાં કાર્યકરોને અવારનવાર હેરાન કર્યા હતા.આક્ષેપો મુજબ એક પ્રસંગે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં શહીદ દિવસની ઉજવણી દરમિયાન ABVPના કાર્યકરોને કાર્યક્રમ ન કરવા દેતા હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતોઅને કેમ્પસ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે તે સમયે અખબારોમાં પણ નોંધ લેવાઈ હતી. ABVP અને RSSના વિરોધમાં કામ કરનારાઓને યુવા મોરચામાં કોના કહેવાથી સ્થાન આપવામાં આવ્યું તે અંગે કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે.કાર્યકરોનો વધુ આક્ષેપ છે કે VVSના પ્રમુખ અને હાલના યુવા મોરચાના નવનિયુક્ત મંત્રી દ્વારા ABVPના કાર્યકરોને પોલિટેકનિક અને ટેકનોલોજી ફેકલ્ટીમાં પ્રવેશ ન દેવા તેમજ મારામારી કરવાની ઘટનાઓ પણ બની હતી. આ વ્યક્તિને કયા નેતાના આશીર્વાદ છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
પ્રભારી મહામંત્રી વડોદરા દોડી આવ્યા.
શહેર અને જિલ્લા ભાજપ સંગઠન તેમજ વિવિધ મોરચાઓમાં થયેલી વિવાદાસ્પદ નિમણૂકોને લઈને કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાના પ્રભારી મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ વડોદરા દોડી આવ્યા હતા.તેમણે જિલ્લા ભાજપનાં વંદે કમલમ કાર્યાલય ખાતે પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ શહેર ભાજપનાં નમો કમલમ કાર્યાલય ખાતે પણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તેમણે કાર્યકરો સાથે ચર્ચા કરીને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી.સૂત્રો મુજબ આ પ્રકારની નિમણૂંકોને કારણે કાર્યકરોમાં અસંતોષ જોવા મળતા મહામંત્રીએ પણ પક્ષના નેતાઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
જૂના પ્રમુખના ગ્રુપની બાદબાકી?...
વડોદરા શહેર ભાજપમાં વિવિધ મોરચાની તાજેતરની નિમણૂકો બાદ હવે જૂથવાદ વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યો હોવાની ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે. કહેવાય છે કે નિમણૂક પ્રક્રિયામાં પૂર્વ શહેર પ્રમુખ વિજય શાહ સહિત કેટલાક નેતાઓનાં ગ્રુપને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદબાકી કરવામાં આવી છે. પક્ષ માટે વર્ષો સુધી મેદાનમાં મહેનત કરનારા અને સંગઠન કાર્યમાં અનુભવી ગણાતા ઘણા કાર્યકરો માત્ર એટલા માટે બહાર રહી ગયા છે કે તેઓનું નામ કોઈ ચોક્કસ ગ્રુપ સાથે જોડાયેલું ગણાય છે.કાર્યકરો કટાક્ષ કરતાં કહે છે કે જાણે નિમણૂંકનો માપદંડ કાર્યકરની ક્ષમતા કે કાર્ય નહીં, પરંતુ તે કયા નેતાના માણસ ગણાય છે તે બની ગયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ચર્ચા તો એટલી સુધી ચાલી રહી છે કે “જૂનાં પ્રમુખનાં માણસો જ ના જોઈએ” એવી મનોદશા સાથે જ કેટલીક નિમણૂકો કરવામાં આવી હોવાનું કાર્યકરોમાં ગણગણાટ છે. પરિણામે સંગઠન કરતાં જૂથવાદને વધુ મહત્વ મળતું હોય તેવી છાપ ઉભી થઈ રહી છે.
Reporter: admin







