દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતું યુદ્ધ હાલ અટકવાની કોઈ સંભાવના દેખાતી નથી ત્યારે ભારતમાં રાંધણ ગેસની ભારે અછત વર્તાઈ રહી છે.
એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાના દાવા વચ્ચે લોકોએ ઘરેલુ રાંધણ ગેસ ખરીદવા માટે એજન્સીઓની બહાર લાઈનો લગાવી છે. આવા સમયે દેશમાં પંજાબના બરનાલા જિલ્લામાં એલપીજી સિલિન્ડરની લાઈનમાં ઊભા રહેલા એક વૃદ્ધનું મોત થતા ભારે હોબાળો મચી ગયો હતો. બીજીબાજુ ક્રૂડ ઓઈલના ભાવમાં જંગી ઊછાળાના કારણે દેશમાં ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. ૨,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાના અહેવાલ આવ્યા છે, જે એલપીજી પછી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના સંકેત આપે છે.
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર થઈ ગયા છે, જેના કારણે ભારતીય ઓઈલ કંપનીઓની ચિંતા વધી ગઈ છે. અમેરિકા અને ઈરાનના યુદ્ધના પગલે એલપીજીના ભાવમાં તુરતં વધારો કરી દેવાયો હતો, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો જ્યારે છેલ્લા ૧૫ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ૩૦ ટકાથી વધુનો ઊછાળો આવ્યો છે.
Reporter: admin







