ઈમાનદારીથી મોટો સંસ્કાર બીજો કોઈ નથી. સમાજમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે જનમાનસના મનમાં ઊંડી છાપ છોડી જતી હોય છે. ખાસ કરીને આર્થિક પરિસ્થિતી નબળી હોય અને વ્યક્તિ તેની પ્રાણીકતા કે ઈમાનદારીને વળગી રહે અને મળવા પાત્ર આર્થિક લાભને જતો કરે ત્યારે સમાજમાં માનવતા મહેકી ઉઠતી હોય છે.
ડભોઈમાં આવો જ પ્રામાણીકતાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક રીક્ષા ચાલકને મળીએ આવેલ સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલું પાકીટ રીક્ષા ચાલકે મૂળ માલિકને પરત કર્યું હતું. વાત જાણે એમ બની કે ડભોઈમાં આવેલ ભારત સિનેમા ગૃહ પાસેથી સિનિયર સીટીઝન કાંતિલાલ રોહિત અને પુંજીબેન રોહિત એક રિક્ષામાં બેઠા હતા. રીક્ષા ચાલક સાથે ભાડું નક્કી કર્યા બાદ રીક્ષા ચાલક આ સિનિયર સિટીઝન્સને લઈને તેમના ગંતવ્ય સ્થળે લઈ જવા માટે નીકળ્યા હતા. નિયત સ્થળે પહોંચ્યા બાદ રીક્ષા ચાલકને ભાડું ચૂકવીને આ બનેં મુસાફરો રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને રીક્ષા ચાલક મયુદ્દીન કાકુજી પોતાની રીક્ષા લઈને પરત ભર્યો હતો. આ સમગ્ર ઘટના દરિમયાન રિક્ષામાં સવાર આ સિનિયર સિટીઝન્સ પૈકી પુંજીબેન પોતાની પાસે રહેલું સોનાના દાગીના અને રોકડ ભરેલું પાકીટ રિક્ષામાં ભૂલી ગયા હતા.
બીજી તરફ રીક્ષા ચાલક મયુદ્દીનભાઈને રિક્ષામાં વૃદ્ધા દ્વારા ભુલાયેલ પાકીટ નજરે ચડ્યું હતું. રિક્ષામાંથી મળી આવેલ પાકિટને લઈને મયૂદ્દીનભાઈ મુંઝાઈ ગયા હતા અને આ પાકીટ લઈને તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા.પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ રીક્ષા ચાલકે પોલીસ કર્મીઓને સઘળી કેફિયત જણાવી પાકીટ સોંપ્યું હતું. બીજી તરફ સોનાના દાગીના અને રોકડ રકમથી ભરેલું પાકીટ ગુમ થતા વૃદ્ધા પણ પોલીસ મથકે પહોંચ્યા હતા.પોલીસ મથકે પહોચ્યા બાદ રીક્ષા ચાલકે વૃદ્ધાને ઓળખી જતા તેઓએ પોલીસ કર્મીઓને પાકિટના મૂળ માલિક અંગે જરૂરી પરિચય આપીને પાકીટ સુપરત કર્યું હતું.રીક્ષા દ્રાઈવર મયૂદિન ઇસ્માઇલભાઈ કાકુજીની ઈમાનદારી જોઈને પોલીસ કર્મચારીઓ સહિત પુંજીબેન ગદગદિત થઈ ગયા હતા. સમાજમાં પ્રામાણિક અને મહેનતુ વ્યક્તિઓને કારણે આ પ્રકારની ઘટના માનવતાની સુવાસ પ્રસરાવે છે.
Reporter: News Plus