News Portal...

Breaking News :

વડોદરા ઉપર આવેલી આફતમાં રાજ્ય સરકાર સતત પડખે ઉભી રહી છે -ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

2024-09-02 17:49:12
વડોદરા ઉપર આવેલી આફતમાં રાજ્ય સરકાર સતત પડખે ઉભી રહી છે  -ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી


પ્રભારી મંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા દોડી આવ્યા હતા અને પૂર રાહત બાબતે જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પુનઃસ્થાપનની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમણે સર્વેની કામગીરીમાં પૂરજોશમાં કરાવવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. 


આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી સંઘવી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતો મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં કુલ મળી ૧૯૯૦૪ વ્યક્તિનું સ્થળાંતર અને ૬૩૩૦ લોકોનો બચાવાયા હતા.પૂરના પાણી ઓસર્યા બાદ હાલમાં આરોગ્ય લક્ષી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તબીબો ઘરે ઘરે જઇ લોકોના આરોગ્યની ચકાસણી કરે છે.આ ઉપરાંત વડોદરા શહેરમાં કેશડોલ્સ, ઘરવખરી સહાય અને મકાન સહાય માટે વડોદરા શહેરમાં ૧૨૦ તથા જિલ્લામાં ૫૦ મળી કુઇ ૧૭૦ ટીમો દ્વારા સર્વે અને ચૂકવણી સહાય કરવામાં આવે છે. વડોદરા શહેરમાં ૬૪૩૬૦ વ્યક્તિને રૂ. ૧.૭૬ કરોડની કેશડોલ્સ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા ગ્રામ્યમાં ૨૦૬૧૦ વ્યક્તિને રૂ. ૫૬ લાખની કેશડોલ્સ ચૂકવાઇ છે. કુલ મળી ૮૪૯૭૦ વ્યક્તિને રૂ. ૨.૩૨ કરોડની સહાય ચૂકવાઇ છે. એ જ રીતે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ મળી ૯૭૬૮ પરિવારોને રૂ. ૨.૪૪ કરોડ ઘરવખરી સહાય પેટે ચૂકવવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં વીજ વિતરણ વ્યવસ્થા પણ પુનઃસ્થાપિત થઇ ગઇ છે અને હવે બેઝમેન્ટમાં પાણી ભરાયા હોય તેવા સ્થળે વીજ પૂરવઠો નથી. 


જિલ્લામાં કૃષિપાકોને થયેલા નુકસાન બાબતે ૧૮૮ અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરવા માટે ખેતીવાડી ખાતા દ્વારા ૫૯ ટીમો કાર્યરત છે. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, વડોદરા ઉપર આવેલી આફતમાં રાજ્ય સરકાર સતત પડખે ઉભી રહી છે. રાહતની કામગીરીમાં ઉદ્દાત ભાવે કામ કરવાનું છે. અસરગ્રસ્ત નાગરિકોની તકલીફ ઓછી થાય, મુશ્કેલી દૂર થાય એ રીતે સતત કર્મ કરવા ઉપર તેમણે તાકીદ કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, નુકસાનીના સર્વે માટે વધારાના માનવ સંસાધાનની જરૂરિયાત રહેતી હોય તો રાજ્ય સરકારમાં પ્રસ્તાવ કરવાની તુરંત તેને મોકલવામાં આવશે. આ બેઠકમાં મેયર પિંકી સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, ધારાસભ્ય સર્વ યોગેશભાઇ પટેલ, મનિષાબેન વકીલ, કેયુરભાઇ રોકડિયા, કેતનભાઇ ઇનામદાર, અક્ષયભાઇ પટેલ, ચૈતન્યભાઇ દેસાઇ, ચૈતન્યસિંહ ઝાલા, સ્થાયી ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, અગ્રણી ડો. વિજય શાહ અને સતિષભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર  દિલીપ રાણા, કલેક્ટર બિજલ શાહ, એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Reporter: admin

Related Post