વડોદરા : શેર માર્કેટના પ્રી ઓપનિંગ સેશનમાં જ ઇતિહાસ રચતાં બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરોવાળા સેન્સેક્સે પહેલીવાર 80,000 ના આંકડાને સ્પર્શી લીધો હતો.
પ્રી-ઓપનમાં લગભગ 300 પોઇન્ટથી વધુના ઉછાળા સાથે સેન્સેક્સે આ આંકડાને સ્પર્શી લીધો હતો. જોકે આજના દિવસના બજારની શરૂઆત થતાં સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલ ટાઇમ હાઇ પર ઓપન થયા હતા. ભારતીય શેર બજાર માટે મંગળવારનો દિવસ મંગળમય સાબિત થતો દેખાઇ રહ્યો છે. શેર બજારની નવા ઐતિહાસિક શિખર પર શરૂઆત થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને નવા રેકોર્ડ હાઇ બનાવ્યો છે. બીએસઇનો સેન્સેક્સ 364.18 પોઇન્ટ એટલે કે 0.46 ટકાની ઉંચાઇ સાથે 79,840.37 પર ખુલ્યો છે. એનએસઇનો નિફ્ટી 86.80 પોઇન્ટ 0.36 ટકાના વધારા સાથે 24,228.75 ના લેવલ પર છે.
શેર માર્કેટમાં મંગળવારે કારોબાર શરૂ થતાં જ બીએસઇનો સેન્સેક્સ 211.30 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 79,687.49 પર ઓપન થયો હતો, તો બીજી તરફ નિફ્ટી ઓપનિંગ સાથે જ 60.20 પોઇન્ટ એટલે 0.25 ટકા વધીને 24,202.20 નવા ઓલ ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયો હતો. બજાર ખૂલતાંની સાથે જ 1935 શેરોમાં તેજી જોવા મળી છે, 536 શેરોમાં ઘટાડો નોંધાયો છે અને 97 શેરોમાં કોઇ ફેરફાર થયો નથી. શરૂઆતી કારોબાર દરમિયાન આયશર મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને હીરો મોટોકોર્પ નિફ્ટી પર સૌથી વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા. તો બીજી તરફ બજાજ ઓટો, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને અદાણી એન્ટર પ્રાઇઝસમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Reporter: News Plus