News Portal...

Breaking News :

ડુગળીની કિંમતો 59.75 ટકા અને બટાટાનો મોંઘવારી દર 71.97 ટકા નોંધાયો

2024-05-14 18:15:06
ડુગળીની કિંમતો 59.75 ટકા અને બટાટાનો મોંઘવારી દર 71.97 ટકા નોંધાયો


નવી દિલ્હી : જથ્થાબંધ ફુગાવો એપ્રિલ માસમાં વાર્ષિક ધોરણે 1.26 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 0.53 ટકા હતો. ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિના પગલે જથ્થાબંધ ફુગાવો વધ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા આંકડા પરથી જાણવા મળ્યું છે.



એપ્રિલમાં ડુંગળીની કિંમતો 59.75 ટકા વધી હતી. જે માર્ચમાં 56.99 ટકા હતી. બટાટાનો મોંઘવારી દર 71.97 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 52.96 ટકા હતો. એક વર્ષ પહેલાં ડુંગળીના ભાવો 5.54 ટકા ઘટ્યા હતા, અને બટાટાના ભાવ 30.56 ટકા વધ્યા હતા.



ખાદ્ય ચીજોની જથ્થાબંધ કિંમતો વાર્ષિક ધોરણે 5.52 ટકા વધી છે. માર્ચમાં તે 4.7 ટકાના દરે વધી હતી. જ્યારે માસિક ધોરણે માર્ચમાં 0.95 ટકાની તુલનાએ 1.94 ટકા વધી છે. એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો વધવા પાછળનું કારણ  ખાદ્ય ચીજો, વીજ, ક્રૂડ પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ, ઉત્પાદિત ખાદ્ય પદાર્થો તથા અન્ય ઉત્પાદિત વસ્તુઓની કિંમતોમાં વૃદ્ધિ છે.

એપ્રિલ, 2024માં ક્રૂડ પેટ્રોલિયમના જથ્થાબંધ ભાવો ગતવર્ષે 1.64 ટકાની તુલનાએ વધી 4.97 ટકા થયા છે. પ્રાથમિક વસ્તુઓનો જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 5.01 ટકા નોંધાયો હતો. જે માર્ચમાં 4.51 ટકા હતો. જેમાં ખાદ્ય ચીજો, શાકભાજી અને ખનિજોની કિંમત સમાવિષ્ટ છે .

ગઈકાલે જારી થયેલા આંકડાઓમાં રિટેલ મોંઘવારી 4.83 ટકા સાથે 11 માસના તળિયે પહોંચી હતી. જે માર્ચમાં 4.85 ટકા હતી. ઈંધણ અને વીજની કિંમતોમાં ઘટાડાના પગલે રિટેલ મોંઘવારી ઘટી છે.

Reporter: News Plus

Related Post