News Portal...

Breaking News :

ચૂંટીને મોકલ્યા એ જનપ્રતિનિધિઓ તો સાવ નપાણિયા

2024-05-28 10:24:56
ચૂંટીને મોકલ્યા એ જનપ્રતિનિધિઓ તો સાવ નપાણિયા


TRP ગેમ ઝોન ચાલુ થયો ત્યારે અમિત અરોરા મ્યુનિસિપલ કમિશનર, બલરામ મીણા પોલીસ કમિશનર, અરુણ મહેશ બાબુ કલેક્ટર અને ઝોન-1 ડીસીપી પ્રવિણ મીણા સપરિવાર ગેમ ઝોનની મહેમાનગતિ માણવા ગયેલા હતા.ગેમ ઝોનના સંચાલકોએ તેમું બુકે આપીને સ્વાગત કરેલું ને બરાબર આગતાસ્વાગતા પણ કરેલીહતી. હવે આ બધા અધિકારીઓ મહેરબાન હોય પછી સંચાલકો કોઈની પરવા કરે ખરા? તેમની મહેરબાનીથી તેમણે લોકોના જીવ લેવાનો ખેલ માંડી દીધો ને તેમાં 28 નિર્દોષ હોમાઈ ગયા. 


રાજકોટના કાંડે ગુજરાતમાં ભાજપના નેતા કઈ હદે પાણી વિનાના છે એ પણ સાબિત કરી દીધું છે.ગુજરાતમાં કહેવા માટે તો ભાજપ સત્તામાં છે પણ વાસ્તવમાં અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ જ સર્વસત્તાધીશ છે આ અધિકારીઓ સીધું દિલ્હીને રિપોર્ટિંગ કરે છે. દિલ્હીમાં એ લોકો કોને રિપોર્ટિંગ કરે છે એ કહેવાની જરૂર નથી. દિલ્હીમાં બેઠેલા લોકોની મહેરબાનીથી એ લોકોની મનમાની ચાલે છે ને ભાજપના પોણિયા નેતા ચૂપચાપ તમાશો જોઈ રહેવા સિવાય બીજું કશું કરી શકતા નથી.ગુજરાતમાં ભાજપના 156 ધારાસભ્યો છે પણ એ બધા અધિકારીઓના ગુલામ હોય ને તેમની મહેરબાની પર જીવતા હોય એ રીતે વર્તી રહ્યા છે. મર્દાનગી સાવ મરી પરવારી હોય ને માનસિક નપુંસક થઈ ગયા હોય એવી તેમની હાલત છે. રાજકોટમાં આવડો મોટો કાંડ થઈ ગયો, 28 લોકોનાં મોત થઈ ગયાં ને છતાં એક ધારાસભ્ય અધિકારીઓ સામે બોલવા માટે ઊભો થયો નથી એ તેમની માનસિક નપુંસકતાનો મોટો પુરાવો છે. જે જનતાના મતથી એ લોકો ચૂંટાય છે એ જનતાને પડખે ઊભા રહેવાના બદલે એ લોકો બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા છે.રાજકોટના રમેશ ટીલીયા નામના ભાજપના ધારાસભ્ય હા-હા હી-હી કરતા કેમેરામાં ઝડપાઈ ગયા તેમાં સૌની નજરે ચડી ગયા પણ બીજા ધારાસભ્યોની પણ આ જ હાલત છે. રાજકોટ ભાજપમાંથી એક એવો ભડનો દીકરો નથી નિકળ્યો કે જે સવાલ કરે કે,આ ગેમ ઝોનને ફાયર એનઓસી વિના કઈ રીતે પોલીસે મંજૂરી આપી? ભાજપમાં એક મરદનો બચ્ચો એવો નથી કે જે સવાલ કરે કે, ખુલ્લા પ્લોટમાં બાંધવામાં આવેલા ગેમ ઝોનમાં રાજકોટના પોલીસ કમિશનરથી માંડીને કલેક્ટર સુધીના અધિકારીઓ આખા પરિવાર સાથે મોજમસ્તી કરવા ગયા ત્યારે આ ગેમ ઝોનની પરવાનગી અંગે કેમ સવાલ ના ઊઠ્યો? ભાજપના નેતાઓમાં પાણી હોય તો તેમણે જેમના પાપે 28 લોકોના જીવ ગયા ને બીજા સંખ્યાબંધ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે એ અધિકારીઓનો જવાબ માંગવો જોઈએ.


આ અધિકારીઓને સરકાર લાત મારીને તગેડી જ ના મૂકે પણ ફરજમાં બેજવાબદારી કરીને નિર્દોષ લોકોનાં મોત નિપજાવવા બદલ કેસ કરે એ માટે પણ દબાણ કરવું જોઈએ. ભાજપના નેતાઓની, ધારાસભ્યોની આ નૈતિક ફરજ છે કેમ કે એ લોકો અધિકારીઓના મતથી નથી ચૂંટાતા પણ લોકોના મતથી ચૂંટાય છે.રાજકોટની પ્રજાએ અત્યારે જે આક્રોશ બતાવ્યો છે એ આક્રોશ પણ જાળવવો જરૂરી છે કેમ કે આ આક્રોશ શમી ગયો તો કદી ન્યાય નહીં મળે. સરકાર તો કુલડીમાં ગોળ ભાંગી દેશે ને બલિના બકરા શોધીને ગમે તેને વધેરી નાંખશે પણ જે લોકો અસલી ગુનેગાર છે એવા અધિકારીઓને કંઈ નહીં થાય.ગુજરાતની પ્રજાએ પણ તેમાં સાથ આપવો જોઈએ કેમ કે રાજકોટમાં જે બન્યું એ પહેલાં અમદાવાદમાં પણ બનેલું, મોરબીમાં પણ બનેલું, સુરતમાં પણ બનેલું ને બીજે ઘણે ઠેકાણે બનેલું. ને આ પાછો અંત નથી. કાલે બીજે ગમે ત્યાં બની શકે, ગમે તે નિર્દોષ વ્યક્તિ આ હલકટોના પાપનો ભોગ બની શકે.પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા એ જનપ્રતિનિધિઓ તો સાવ નપાણિયા છે ને તેમનામાં મર્દાનગી આવે એવી શક્યતા ઓછી છે. કમ સે કમ પ્રજા તો પાણીદાર પુરવાર થાય ને ન્યાય માટે લડે.

Reporter: News Plus

Related Post