વડોદરા : રાજ્યમાં માતાજીના અનેક સ્થાનકો આવેલા છે. દરેક માતાજીનું જુદુ જુદુ મહત્વ છે.
વડોદરા શહેરમાં પણ એવું જ એક મંદિર આવેલું છે. જે બોલાઈ માતા તરીકે ઓળખાય છે. અહીં જન્મથી ન બોલી શકતા હોય તેવા બાળકો અહીં બાધા રાખવાથી બોલતા થઈ જાય છે. બાધા પૂરી થયા બાદ ભક્તજનો માતાજીની ચાંદીની જીભ અર્પણ કરે છે. વડોદરા શહેરના સિદ્ધનાથ રોડ જયરત્ન બિલ્ડિંગ પાસે સૈકાઓ જૂનું બોલાઇ માતાજીનું કલાત્મક - ઐતિહાસિક મંદિર લાખો ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. એવું કહેવાય છે કે, મહારાજા શ્રીમંત ખંડેરાવ ગાયકવાડ તેમજ મંદિરના પૂજારી આત્મારામ પંડિત સાથે માતાજી પ્રગટ થઈ વાતચીત કરતા હતા. જેથી અહીંના દેવી બોલાઇ માતાજી તરીકે પ્રખ્યાત થયા છે. નવરાત્રીના પાવન તહેવારમાં અહીં દરરોજ સાંજે 4 થી 6 ભજન કીર્તનનું આયોજન તથા આઠમના દિવસે હોમ હવન પણ કરવામાં આવે છે.
લોકવાયકા એવી છે કે, માં જગદંબા માતા પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. કૈલાસપતિથી રિસાઈને માતા પાર્વતી અજ્ઞાતસ્થળે ચાલ્યા ગયા હતા. સંજોગવસાત પાંડવો પણ વનવાસમાં ભટકતા હતા. ત્યારે પાંડવોએ લીલી સાડીમાં માતાજીના દર્શન કર્યા હતા. પાંડવોને ભૂખ લાગી હોવાથી તેમણે માતાજી પાસે ભોજનની માંગણી કરી હતી. ભોજનના બદલામાં માતાજીએ પાંડવો પાસે એક જ રાતમાં તેમનું મંદિર અને તળાવનું નિર્માણ કરવાનું વચન માંગ્યું હતું. જે વચન નિભાવતા પાંડવોએ તે સ્થળે મંદિર બનાવ્યું હતું. જ્યાં તેમને માતાજીએ દર્શન આપ્યા હતા. આ માતાજી બોલાઈ માતાજી તરીકે સૈકાઓથી પૂજાય છે. અહીં રવિવાર ભરવાથી બાળક બોલતું થઈ જાય છે અથવા તો માનેલી માનતા પૂર્ણ થાય છે. વડોદરા ખાતેના મંદિર માં સેવિકા સુભેધા રાહુલકરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના બોલ્હાઇ તાલુકામાં પુણે હવેલી નજીક માતાજીનું સ્થાનક આવેલું છે. આજે પણ બોલાઇ માતાજીની મૂર્તિની બાજુમાં કાશી તેમજ ભાવરાઈ માતાજીની મૂર્તિઓ બિરાજમાન છે. તદુપરાંત માતાજીના મંદિર પાસે તળાવ પણ માતાજી સાક્ષાત્કારનું પ્રતિક માનવામાં આવે છે.
Reporter: admin