પુણે :‘ગરબા કિંગ’ તરીકે પ્રખ્યાત ગરબા ડાન્સર અશોક માળીનું તેના પુત્ર સાથે ગરબા રમતી વખતે અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટનાને લીધે આનંદનું વાતાવરણ શોકમાં પલટાઈ ગયું હતું. માળીને તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડૉકટરોએ તેને મૃત ઘોષિત કરાયા હતા.આ સંદર્ભે વધુ વિગતાનુસાર પુણેમાં ગરબા કિંગ તરીકે ઓળખાતા અશોક માળી લોકોને ગરબાનું પ્રશિક્ષણ આપવા માટે પણ જાણીતા હતા. ડાન્સમાં તેની કુશળતા અને જુસ્સાને લીધે તેણે ગરબા ટ્રેનર તરીકે ખ્યાતિ મેળવી હતી. મૂળ ધૂળે જિલ્લાના સિંદખેડા તાલુકાના હોળ ગામના માળીને ચાકણમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબા રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
અશોક માળી તેના નાના પુત્ર ભાવેશ સાથે મળી ગરબાના વિવિધ સ્ટેપ રમી રહ્યા હતા ત્યારે અધવચ્ચે તે અચાનક અસ્વસ્થ થઈ ગયા હતા અને બેભાન થઈ જમીન પર જ ફસડાઈ પડ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકો હેબતાઈ ગયા હતા અને અશોક માળીને તરત જ પાસેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરોએ માળીને મૃત ઘોષિત કર્યા હતા.અશોક માળીના અણધાર્યા અવસાનથી તેના સંબંધીઓ અને મિત્રોમાં શોકની લાગણી ફરી વળી હતી. આવી જ એક ઘટના ચાર દિવસ પહેલા જળગાવમાં બની હતી જેમાં 27 વર્ષના એક યુવકનું ગરબા રમતા હાર્ટએટેક આવવાથી મોત થયું હતું.
Reporter: admin