News Portal...

Breaking News :

તમારી હદમાં ઘટના ઘટી રહી છે..તાત્કાલિક જરૂર હોય ત્યારે પોલીસ મથકની હદનો વિવાદ બિન જરૂરી..

2024-06-10 10:51:19
તમારી હદમાં ઘટના ઘટી રહી છે..તાત્કાલિક જરૂર હોય ત્યારે પોલીસ મથકની હદનો વિવાદ બિન જરૂરી..


તમારી હદમાં ઘટના ઘટી રહી છે તમે નીપટો એવી દલીલ પોલીસ તંત્ર કરી શકે ખરું? પરંતુ આપણે ત્યાં પોલીસ મથકની હદનો વિવાદ અસામાન્ય નથી.તાત્કાલિક અગત્યની કાયદો વ્યવસ્થા જાળવણીની બાબતમાં , એ જગ્યા અમારી હદમાં નથી એવી દલીલ કરી નિષ્ક્રિયતા નો બચાવ કરવામાં આવે છે.કામગીરીની સ્પષ્ટતા માટે દરેક પોલીસ મથકનો હદ વિસ્તાર નક્કી કરવામાં આવે છે.પરંતુ ઘણીવાર હદનો વિવાદ ઉભો કરીને પોલીસ દ્વારા સરકારી કામમાં વિલંબ કરવામાં આવે એ યોગ્ય નથી.હાલમાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના પછી તંત્ર જાગ્યું છે.પ્રત્યેક શહેરમાં ખાસ કરીને બહુમાળી ઇમારતો,શોપિંગ મોલ,કોમ્પલેક્ષ,શાળાઓ,દવાખાના,ટ્યુશન ક્લાસિસ ઈત્યાદિમાં અગ્નિ શમન સુવિધાઓ અને સલામતી ની ચકાસણી કરવામાં આવી રહી છે.મનપા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી થઇ રહી છે.



આ કામગીરી દરમિયાન વડોદરામાં મનપા ટીમે જ્યારે એક શોપિંગ કોમ્પલેક્ષ માં તપાસ અને સિલીંગ ની કામગીરી શરૂ કરવા ધાર્યું ત્યારે સાથેની પોલીસ ટીમે, એ જગ્યા એમના પોલીસ મથકની હદમાં ન હોવાથી સહયોગ આપવાની ના પાડી અને કામ અટક્યું.આ જગ્યા પોલીસ મથકની બિલકુલ સામે ,રસ્તાની પેલી બાજુએ આવેલી છે. એ વિસ્તાર અન્ય પોલીસ મથકની હદમાં આવે છે એ વાત સાચી છે.પરંતુ જ્યારે અગત્યની અને લોકોની સલામતી માટેની સરકારી કાર્યવાહી ચાલી રહી હોય ત્યારે આ જગ્યા અમારી હદમાં નથી એવું બહાનું આગળ ધરી પોલીસ ટીમ જતી રહે એ કતઈ યોગ્ય ના ગણાય.બહેતર છે કે મનપા તંત્ર સાથેની પોલીસ ટુકડીએ એ વિસ્તારના પોલીસ મથક સાથે સંકલન કરીને,ત્યાંની ટુકડી આવે ત્યાં સુધી તંત્રના કામમાં સહયોગ આપ્યો હોત તો કામગીરી અટકાવવી પડી ન હોત.યાદ રહે કે હદ વિસ્તાર પોલીસ તંત્ર માટે હોય છે,ગુનો આચરનાર ને કોઈ હદ વિસ્તાર લાગતો નથી.એટલે હદ વિસ્તારની બાબતમાં પોલીસ તંત્ર જડ વલણ રાખે એ ઠીક નથી.



ઘણીવાર અકસ્માતના બનાવોમાં આ હદ વિસ્તારના વિવાદોને લીધે ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ પહોંચાડવામાં , મૃતદેહો નું સન્માન જાળવવામાં વિલંબની ઘટનાઓ અગાઉ બની છે.એટલે તાકીદના સંજોગોમાં હદ ને ચુસ્ત રીતે વળગી રહેવાને બદલે ઉપલા અધિકારી ના ધ્યાને વાત મૂકીને સ્થળ પર જરૂરી કાર્યવાહી હાજર હોય એ પોલીસ ટીમે શરૂ કરવી જોઈએ અને એ વિસ્તારના પોલીસ મથકની ટીમ સાથે સંકલન કરીને,તેમના આગમન પછી જગ્યા છોડવી જોઈએ.અને જો આ બાબતમાં કોઈ અડચણ આવતી હોય તો રાજ્ય પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારના કેસમાં ઉપસ્થિત ટીમ ,એમનો હદ વિસ્તાર ના હોય તો કઈ કઈ કામગીરી કરી શકે એ નક્કી કરીને પરિપત્ર જાહેર કરવો જોઈએ.જેથી લોકોના અને સલામતીના હિતમાં ત્વરિત કાર્યવાહી થઈ શકે.આ પ્રકારનો લચિલો અભિગમ અને તેને લગતા નિયમો થી તેની વૈદ્યતા ને લીધે પોલીસ તંત્રની કામગીરી મજબૂત બનશે...

Reporter: News Plus

Related Post