વડોદરા જિલ્લામાં આકાશી સંકટ અને પૂરની પરિસ્થિતિમાં લોકજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આવા સમયે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ આરોગ્ય સુવિધાઓ લોકો સુધી પહોંચે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
આપદાના આવા જોખમી સમયમાં વડોદરા જિલ્લામાં ૭૬ જેટલી સગર્ભા મહિલાઓ માટે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પ્રસૂતિ અને સારવાર માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયા હતા.વરસાદી પૂરના કપરા કાળ દરમ્યાન વાઘોડિયા તાલુકાના અલવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી પરોઢે થેલેસેમીયા પોઝિટિવ અને અત્યંત જોખમી સગર્ભા માતાની ખુબજ સાવચેતી પૂર્વક સફળ ડિલિવરી કરવામાં આવી હતી.તેવી જ રીતે વડોદરા તાલુકાના રાયપુર ગામ ખાતે ભારતીબેન સોલંકીને પ્રસવની વેદના થતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની આરોગ્ય સ્થિતિ અને જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય કર્મીઓ દ્વારા સારવાર અપાતા નવજાતને જન્મ આપ્યો હતો.
પૂરના દિવસોમાં જિલ્લાની ૭૬ જેટલી માતાઓની એ.એન.એસ. તપાસ કોઈ ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી પરંતુ જોખમી વાતાવરણમાં આરોગ્ય વિભાગ ખુબજ સજ્જ બન્યું હતું. જિલ્લાના માળખાગત અને અદ્યતન સુવિધાયુક્ત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સગર્ભા મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ બની જિલ્લા આરોગ્ય કેન્દ્રો અને આરોગ્ય કર્મીઓની કર્તવ્ય નિષ્ઠાના દર્શન કરાવ્યા હતા.સારવાર મેળવેલ ૭૬ સગર્ભાએ પૈકી કેટલીક માતાઓની આરોગ્ય સ્થિતિ અત્યંત જોખમી હતી. આવી હાલતમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં સમય સૂચકતા દાખવીને તાત્કાલિક યોગ્ય સારવાર આપી હતી. દરેક પ્રા.આરોગ્ય કેન્દ્રો ખાતે અનુભવી સ્ટાફ અને સુવિધાઓ પણ હતી જેના કારણે સગર્ભા મહિલાઓની સારવારમાં કોઈ અડચણ આવી ન હતી.આમ, કુદરતી આપદાના સમયમાં અત્યંત સંવેદનશીલ અને જોખમી પરિસ્થિતિમાં પણ જિલ્લા આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ઠ સેવા પ્રશંસાને પાત્ર છે.
Reporter: admin