વાસણા ભાયલી ખાતે રૂા. ૮ કરોડના ખર્ચે CMA ભવન બનાવવામા આવશે
કોમર્સ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સીએમએ તરીકે તેઓની પ્રોફેશનલ કારર્કિદી બનાવી શકે અને તેઓને ભણતર માટે અત્યાધુનિક સુવિધા મળી રહે તે હેતુથી બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ અને વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગુજરાત સરકાર સાથે MOU કરાયું હતું. જે અંતર્ગત આવનારા બે વર્ષમાં શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં ૮ કરોડના ખર્ચે સીએમએ ભવનનું નિર્માણ કરાશે. જેના ભાગરૂપે 1 જૂનના રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ICMAI ના પ્રેસિડેન્ટ CMA અશ્વિન દલવાડી, ICMAI ના WIRC ના સેક્રેટરી CMA મિહિર વ્યાસ, ICMAI ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન CMA મનોજકુમાર આનંદ અને ICMAI ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CMA નીરજ ડી જોશી સહિતના કમિટી મેમ્બર ખાસ ઊપસ્થિત રહ્યા હતાં.
જે વિશે માહિતી આપતા બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સના ચેરમેન CMA પ્રિયાંક વ્યાસ અને સેક્રેટરી CMA અમૃતા મિહિર વ્યાસે જણાવ્યું હતું કે, વર્ષ 1968 માં બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સને સ્વતંત્ર દરજ્જો પ્રાપ્ત થયો હતો. શરૂઆતમાં ચેપ્ટર ઓફિસ સિનિયર કોસ્ટ એકાઉન્ટન્ટના ઘરેથી ચલાવવામાં આવતી હતી. ત્યાર બાદ એમસી હાઈસ્કૂલ, સલાટવાડા ખાતે કોચિંગ ક્લાસ શરૂ કરાયો હતો. વર્ષ 1986માં મામાની પોળમાં હંગામી ઑફિસ અને કોચિંગ ક્લાસ શરૂ કરાયો. અનંત સંઘર્ષ બાદ વર્ષ 2000 માં ચેપ્ટરએ સયાજીગંજ વિસ્તારમાં તેની નવું પરિસર ખરીદ્યું જ્યાં હાલની તારીખમાં વિદ્યાર્થી માટેના વર્ગો ચાલી રહ્યા છે.
શહેરમાં ૪૦૦ થી વધારે સીએમએ પ્રોફેશનલ કાર્યરત છે અને તેમના નેજા હેઠળ ૫૦૦ થી વધારે સીએમએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે. નવા ભવનમાં કોમ્યુટર સેન્ટર, લાઈબ્રેરી, સ્ટડી રૂમ અને કોન્ફરન્સ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓ હશે. જેના થકી વિદ્યાર્થીઓનો સર્વાંગીક વિકાસ ચોક્કસ પણે થશે. નોંધનિય છે કે, છેલ્લા 50 વર્ષથી શહેરમાં બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ કાર્યરત છે.
Reporter: News Plus