બાઈકને રોકવા પોલીસે યુવકના ચહેરા
પર લાકડી ફટકારી દેતા લોકો ઉશ્કેરાયાના
નંબર પ્લેટ વિનાની બાઈક લઈને નીકળેલો યુવક પોલીસથી બચવા ભાગ્યો અને પડી ગયો - પોલીસ
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા અક્ષર પેરેડાઈઝ પાસે વાહન ચેકિંગ કરી રહેલા પોલીસના જવાને એક બાઈક ચાલકને ઉભો રાખવા માટે એના ચહેરા ઉપર દંડો મારી દેતા ખળભળાટ મચી ગયો હતો. ચહેરા ઉપર પોલીસનો દંડો વાગતાની સાથે જ બાઈક ચાલક નીચે પડી ગયો હતો અને એના ચહેરા પરથી લોહી નીકળવા માંડ્યુ હતુ. આ બનાવને પગલે રાહદારીઓ ભેગા થયા હતા અને તેમણે પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
જોકે, અટલાદરા પોલીસે આ મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસનું કહેવુ છે કે, વાહન ચેકિંગ દરમિયાન બાઈક પર નંબર પ્લેટ નહીં હોવાથી બાઈક ચાલક પોલીસથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે સ્લીપ ખાઈ ગયો હતો. જેને લીધે એને ચહેરાના ભાગે ઈજા પહોંચી હતી અને લોહી નીકળ્યું હતુ. જોકે, સામાપક્ષે વાહન ચાલકે જણાવ્યુ હતુ કે, હું બાઈક લઈને જતો હતો તે સમયે મને રોકવા માટે એક પોલીસ કર્મચારીએ મારા ચહેરા પર લાકડી મારી દીધીહતી. જેથી મને લોહી નીકળ્યું હતુ. આખાય મામલામાં જો પોલીસની બેદરકારી હોય તો રાહદારીના ચહેરા પર લાકડી મારનારા પોલીસ કર્મચારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની માંગ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પોલીસનું વાહન ચેકિંગ ફરી શરૂ થયુ છે. જેના લીધે વાહન ચાલકોને પોલીસની દાદાગીરીનો ભોગ બનવુ પડી રહ્યુ છે. ઠેરઠેર પોલીસ અને પ્રજા વચ્ચે વિવાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ મામલામાં પણ ચુંટાયેલા પ્રતિનિધિઓએ હસ્તક્ષેપ કરવો જોઈએ.
Reporter: News Plus