નવી દિલ્હી : ભારતે અમેરિકાની સાથે એક મોટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી હેઠળ ભારત વિદેશી સૈન્ય વેચાણના રૂટથી અમેરિકન સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની જનરલ એટોમિક્સ પાસેથી લાંબા સમયગાળાના ૩૧ પ્રીડેટર ડ્રોન ખરીદશે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ ડ્રોન ચાર અબજ ડોલરમાં ખરીદવામાં આવશે. આ ખરીદીનો ઉદ્દેશ ચીનની સાથે વિવાદિત સરહદો પર ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો કરવાનો છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ભારતના ટોચના સંરક્ષણ અધિકારીઓ અને રણનીતિકારોની હાજરીમાં સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ સમજૂતી બંને દેશોની વચ્ચ સૈન્ય સંબધોમાં ઉલ્લેખનીય વૃદ્ધિનું પ્રતીક છે. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીના થોડાક જ સપ્તાહ અગાઉ ડ્રોન ખરીદવાની આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ગયા સપ્તાહમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલ સુરક્ષા બાબતોની કેબિનેટ બેઠકમાં એમક્યુ-૯બી હન્ટર કિલર ડ્રોનની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા જનરલ એટોમિક ગ્લોબલ કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી વિવેક લાલ પણ સમજૂતી પર હસ્તાક્ષર વખતે હાજર રહ્યાં હતાં. એમક્યુ-૯બી ડ્રોન એમક્યુ-૯ રીપરનો એક પ્રકાર છે. જેનો ઉપયોગ હેલફાયર મિસાઇલની સંશોધિત આવૃત્તિને ઉડાવવા માટે કરવામાં આવ્યો હતો. જુલાઇ ૨૦૨૨માં કાબુલના મધ્યમાં તેના દ્વારા કરાયેલા હુમલામાં અલ કાયદા નેતા અયમાન અલ જવાહિરીનું મોત થયું હતું. ૩૧ ડ્રોનમાંથી ૧૫ ભારતીય નેવીને મળશે જ્યારે બાકીના એરફોર્સ અને સેનાની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. આ ડ્રોનની ખાસ વાત એ છે કે તે રોકાયા વગર ૪૦ કલાક ઉડી શકે છે. આ ડ્રોન ૪૫૦ કીલોના બોંબ લઇ જવામાં ક્ષમતા ધરાવે છે.
Reporter: admin