ફરી કોઈ આવે એની રાહ જુવો...ચાર દિન કી ચાંદની ફિર ઘોર અંધેરી રાત.ચાલો કહેવતની ચાંદની ઓછામાં ઓછી ચાર દિવસ તો ટકે છે...પરંતુ ન્યાય મંદિર સામે અત્યારે ચાલતા શુક્લ પક્ષમાં સફાઈ અને દબાણ નિવારણ ની જે ચાંદની પથરાઈ હતી એ એક દિવસ પણ માંડ ટકી.હવે પરિસ્થિતિ પૂર્વવત કે જૈસે થે થઈ ગઈ છે.કહેવત છે કે સાપ ગયાને લીસોટા રહ્યા.વડોદરામાં એક નવી કહેવત રચાઈ છે કે મોટા માણસ ગયા અને દબાણો પૂર્વવત થયાં.આ જે રસ્તાઓ અને અન્ય વિસ્તારોમાં જે દબાણો થાય છે એ સાવ રબર જેવા સ્થિતિસ્થાપક હોય છે.રબરના દડાને દબાવો તો ચપટો થઈ જાય.અને પ્રેશર હટાવી લો એટલે હતો તેવોને તેવો ગોળ મટોળ થઈ જાય. દબાણોનું પણ એવું જ છે.પાલિકા પોલીસની મદદથી કે એકલે હાથે હટાવે.અને એમની વિદાય પછી કલાકેક માં બધું હતું તેવું ને તેવું થઈ જાય.કેન્દ્રીય ગૃહ મંત્રી આવવાના હતા,આ રસ્તે થી પસાર થવાના હતા એટલે સંબંધિત વિભાગોની ઊંઘ ઊડી ગઈ.જોત જોતામાં ન્યાયમંદિર સામે, પદમાવતીને અડી ને આવેલા સિટી બસ સ્ટેન્ડની આગળ થી લારિગલ્લા અને પથારા,રિક્ષાઓની કતાર,બધું જ હટી ગયું.નવી વહુ ઘૂંઘટ ઉઠાવે અને ચંદ્ર જેવું મુખડું દેખાય એ રીતે સિટી બસ સ્ટેન્ડ સ્પષ્ટ દેખાવા લાગ્યું.કેટલાક ને તો ત્યારે જ ખબર પડી કે અહીં બસ સ્ટેન્ડ છે કારણ કે દબાણો વચ્ચે સંતાઈ ગયેલું આ બસ સ્ટેન્ડ જોવા જ મળતું ન હતું.
ભલું થજો ભારતની રાજનીતિના ચાણકય અમિતભાઈ નું.એમના આગમનના પગલે ભલે થોડો સમય તો થોડો સમય પણ લહેરીપુરા દરવાજા સામેનો આ વિસ્તાર ચોખ્ખો ચણાક દબાણ રહિત બન્યો.હવે કોઈ મોટા માણસ ફરીથી આવે એની રાહ જુવો.વધુ એકવાર સિટી બસ સ્ટેન્ડ જોવા મળે એવું બને.ચૂંટણીનું આ એક જમા પાસુ છે કે મોટા માણસો વારે વારે આવે અને શહેરના રસ્તા સાફ અને દબાણમુક્ત થતાં રહે.બાકીના સમયમાં તો મોટા મહેમાન ઓછા આવે એટલે આ નજારો જોવા રાહ જોવી પડે.અને આમ તો દબાણ હટાવનાર દિલથી ખૂબ દયાળુ. એ લોકો કહી જ દે કે ભાઈ અત્યારે જતાં રહો,ઈજ્જત રાખી લો અને સાહેબ પસાર થાય કે તરત પાછા આવી જજો. પરસ્પરનું માન સાચવવું એને જ સભ્યતા કહેવાય..ખરું ને...
Reporter: News Plus