વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલધામમાં બિરાજતા શ્રીરણછોડરાયજી મહારાજનો ૧૯૪મો વાર્ષિક પાટોત્સવ મંગળવારે ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્યશ્રી પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા મોટા લાલજી શ્રી સૌરભપ્રસાદજી અને નાના લાલજી દ્વિજેન્દ્રપ્રસાદજીએ દેવોને પંચામૃત, કેસર, ચંદનથી અભિષેક કર્યો હતો. આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી પૂ.સંત સ્વામી, પૂ.ગોંવિદ સ્વામી સહિત યજમાન પરિવારના સભ્યોએ દેવોની પૂજાવિધિમાં જોડાયા હતા.
શ્રી રણછોડરાયજી મહારાજના પાટોત્સવની માહિતી આપતા મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે નીજ મંદિરમાં દેવોની મૂર્તિઓ સ્વહસ્તે પધરાવી હતી. ત્યારબાદ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે શ્રી રણછોડરાયની સ્થાપના કરી હતી.મંગળવાર તા.૩૦ મીની એપ્રિલના રોજ શ્રી રણછોડરાયજી મહારાજનો ૧૯૪ મો વાર્ષિક પાટોત્સવ નવીઆખોલના અ.નિ.હરિભાઈ ફુલાભાઈ મિસ્ત્રી પરિવારના યજમાનપદે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. સવારે મંગળા આરતી બાદ સવારે ૬:૩૦ કલાકે દેવોની અભિષેક વિધિ યોજાઈ હતી. મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી બ્રહ્મચારી પ્રભાનંદજી સહિત અન્ય ભુદેવો ધ્વારા અભિષેક વિધિ યોજાઈ હતી. ત્યારબાદ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને બંને લાલજી મહારાજે દેવોને પંચામૃત, ચંદન,કેસરથી અભિષેક કર્યો હતો. અભિષેક વિધિ મંદિરના ભુદેવ ધીરેનભાઈ ભટ્ટ ધ્વારા કરાવવામાં આવી હતી. અભિષેક બાદ આચાર્ય મહારાજશ્રી તથા બંને લાલજી મહારાજે દેવોની આરતી ઉતારી હતી. હજ્જારો હરિભક્તોએ અભિષેકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આરતી બાદ આચાર્ય મહારાજે યજમાન પરિવારનું પુષ્પમાળા પહેરાવી આર્શીવાદ પાઠવ્યા હતા.
દરમ્યાન સવારે ૧૦:૪૫ કલાકે દેવોને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. આચાર્ય મહારાજે અન્નકુટ આરતી ઉતારી યજમાન પરિવારને શુભ આશીર્વાદ પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો. પાટોત્સવના પ્રેરક પૂ.ગોવિંદ સ્વામી (મેતપુરવાળા)ને મહારાજશ્રીએ પુષ્પહાર પહેરાવી અભિવાદન કર્યું.સમગ્ર પાટોત્સવ તથા અન્નકૂટનું આયોજન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.
Reporter: News Plus