વડોદરા શહેરમાં OBC સેલના અગ્રણી ગોપાલ ચુનારાની હત્યાકેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપી જતીન ચુનારા અને ગૌતમ ચુનારાને તેમની માતાના ગોપાલ ચુનારા સાથે આડાસંબંધ હોવાની શંકા હતી. આ શંકાને લઇને બંને ભાઈએ મળીને ગોપાલ ચુનારાની હત્યા કરી નાખી હતી.
હાલ બંને આરોપી રિમાન્ડ પર છે. આજે બંનેના રિમાન્ડ પૂર્ણ થતાં ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મામલે અગાઉ થયેલી ફરિયાદમાં આરોપીઓનાં નામ અને ઘટના અલગ જ હતી. જે બાદ પોલીસે તપાસ કરતા ફરિયાદની થિયરી અલગ જ નીકળી હતી.ભાજપ નેતાનું સારવાર દરમિયાન મોત થયું હતું.વડોદરા શહેરના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગોપાલ ચુનારા ઉપર તેમના દૂરના સગાઓએ 9 મેના રોજ હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું 21 મેના રોજ મોત નીપજ્યું હતું. જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને ગણતરીના કલાકોમાં બે આરોપી સગાભાઈઓ ગૌતમ ચુનારા અને જતીન ચુનારાની ધરપકડ કરી હતી.
પહેલી ફરિયાદમાં થિયરી અલગ હતી શરૂઆતમાં બહાર આવ્યું હતું કે, ગોપાલ ચુનારા સયાજી હોસ્પિટલની સામે વડોદરા ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પંચમાં સહી કરીને ઘરે જઇ રહ્યા હતા, ત્યારે તે સમયે 3 શખ્સો આવ્યા હતા. ગોપાલ ચુનારા સાથે ઝઘડો કરીને મારવા લાગ્યા હતા અને માથાના ભાગે લોખંડનો સળિયો મારી દીધો હતો. ગોપાલ ચુનારાને આરોપીઓએ કહ્યું હતું કે, તું બાળલગ્નની માહિતી પોલીસને આપી દે છે. તે સમયે ગોપાલ ચુનારાએ આપેલી પોલીસ ફરિયાદમાં આરોપીઓનાં નામ પણ અલગ હતાં.માતા સાથે આડાસંબંધ હોવાની શંકાએ હુમલો કર્યો’તો-ACP. આ મામલે એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, આરોપી જતીન ચુનારા અને ગૌતમ ચુનારાને શંકા હતી કે તેમની માતાના ગોપાલ ચુનારા સાથે આડાસંબંધો છે. આ શંકાને પગલે બંને ભાઈએ ગોપાલ ચુનારા ઉપર હુમલો કર્યો હતો અને અને સારવાર દરમિયાન ગોપાલ ચુનારાનું મોત થયું હતું.
Reporter: News Plus