ભાજપાના આગેવાનો હવે બેફામ બન્યા છે. અને તેઓની દાદાગીરીના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ભાજપાના કોર્પોરેટરના દીકરાની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી ટીમને આ નબીરાએ ધાક ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સુરતમાં કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી, જેને ભાજપ કોર્પોરેટરના દીકરાએ ધાક-ધમકીઓ આપી હતી. આ મામલે મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં ભાજપ કોર્પોરેટરના પુત્ર સામે ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. બમરોલીના ભાજપના કોર્પોરેટર ગીતા રબારી દ્વારા ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
આ બાંધકામને તોડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. પરાનુંત સત્તાના નશામાં ચૂર ગીતા રબારીના દીકરા મયુર રબારીએ તમામ કાયદાઓ નેવે મુકી દીધા હતા. તેણે આજુબાજુના લોકોને બોલાવી ટીમને ધમકી આપી હતી. અને કામગીરીમાં બાધા ઉત્પન્ન કરી હતી. મનપાની ટીમ દ્વારા મયુર રબારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Reporter: News Plus