નવીદિલ્હી: અમદાવાદના એડવોકેટ પરમ દવે તથા જુદા જુદા રાજયોના વકીલો ગૌરવ શર્મા તથા અન્યો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓની સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશના વકીલોને અસર થાય તેવો રાહત કર્તા ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું કે, એડવોકેટ એકટ- 1961 ની કલમ-24(1)(ક) અંતર્ગત સ્ટેટ બાર કાઉન્સીલ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને ચૂકવવાપાત્ર એનરોલમેન્ટ ફી (નોંધણી ફી) જનરલ કેટેગરીના એડવોકેટ માટે રૂ.750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ.125 નિર્ધારિત કરાયેલી જ છે.તેનાથી વઘુ રકમ એનરોલમેન્ટ ફી પેટે સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા વસૂલી શકે નહી.
સુપ્રીમકોર્ટના આ મહત્ત્વના ચુકાદાની અસરો વિશે પૂછતાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના આ ચુકાદાથી નવા એનરોલ થનારા વકીલોને બહુ મોટી રાહત મળી છે. દેશની કોઇપણ સ્ટેટ બાર કાઉન્સીલ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે માત્ર રૂ.750 જ એનરોલમેન્ટ ફી પેટે ઉઘરાવી શકશે.
Reporter: admin