News Portal...

Breaking News :

પૂર્વ પટ્ટી વિસ્તારમાં જીવા દોરી સમાન સુખી ડેમ ૫૨.૪૭ ટકા ભરાયો : ૩.૯૮ મીટર ડેમ ફૂલ થવામાં બાકી

2024-07-30 16:20:43
પૂર્વ પટ્ટી વિસ્તારમાં જીવા દોરી સમાન સુખી ડેમ ૫૨.૪૭ ટકા ભરાયો : ૩.૯૮ મીટર ડેમ ફૂલ થવામાં બાકી


પૂર્વ પટ્ટી વિસ્તારના ૧૨૯ જેટલા ગામડાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થતાં સુખી ડેમ હાલ ૫૨.૪૭ ટકા ભરાઈ જવા પામ્યો છે જે મહત્તમ ક્ષમતા કરતા ૩.૯૮ મીટર ઓછો છે. 


છોટાઉદેપુર જિલ્લાનો સુખીડેમ સૌથી મોટો સિંચાઈનો ડેમ છે. જેના પર બોડેલી, પાવીજેતપુર અને જાંબુથોડા તાલુકાના કેટલાક ગામડાઓના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ થાય છે.સુખી ડેમ સાઈડ પર આ સીઝનનો આજદિન સુધીમાં ૩૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ડેમમાં ૫૨.૪૭  ટકા  પાણી ભરાયું છે.સમગ્ર રાજ્યમાં એક તરફ સારા ચોમાસાની જમાવટ ના વાવડ મળી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં મન મૂકી મેઘો વરસ્યો નથી.ગત વર્ષે ૩૦ જુલાઈ સુધી સુખી ડેમ વિસ્તારમાં ૭૫૦ એમ એમ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે આ વર્ષે સુખી ડેમ વિસ્તારમાં ૩૦ જુલાઈ સુધી ૩૬૯ એમએમ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે સુખી ડેમ વિસ્તારમાં ૧૦૦૦ એમએમ જેટલો વરસાદ વરસતો હોય છે આમ ૩૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેનાથી સુખી ડેમનું લેવલ ૧૪૩.૮૪ મીટર નોંધાયું છે, જે રુલ લેવલ ૧૪૬.૪૪ મીટર કરતા ૨.૬ મીટર ઓછું છે જ્યારે મહત્તમ લેવલ ૧૪૭.૮૨ કરતા ૩.૯૮ મીટર ઓછું છે. સુખીડેમ એ નર્મદા યોજનાની ચાર આનુષાંગિક યોજનાઓ પૈકિની એક યોજના છે. 



વર્લ્ડ બેંકની લોનથી ૯૦ના દશકમાં તેનું નિર્માણ પૂર્ણ થઈ ગયું હતું. ત્યારથી જ તે ઉપયોગમાં લેવાય છે. સુખી ડેમનો ૪૧૨ ચો.કિમીનો સ્ત્રાવ વિસ્તાર છે જે એનો એજ છે બદલાયો નથી. દર વર્ષે વરસાદ સારો પડે તો ૨૧૭ મિલીયન ઘનમીટર પાણી ડેમ આડેના સરોવરમાં એકત્રિત થતું હોય છે. ૪૦૦૭ મીટર જેટલી લંભાઈ  ધરાવતો છોટાઉદેપુર જિલ્લાના  સૌથી મોટો આ ડેમ અડધો ભરાયો છે. આ કેનાલથી કુલ ગ્રોસ કમાન્ડ વિસ્તાર ૩૧,૫૩૨ હેક્ટર સાંકળી લેવાય છે. જેમાંથી ૨૦.૭૦૧ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. જેયાં સિંચાઈના પાણી ઠલવાય છે.આ ડેમથી પાવીજેતપુર તાલુકાના ૬૭ ગામો, છોટાઉદેપુરના ૧૧ ગામો, સંખેડાના ૧૬, જાંબુઘોડા ના ૩૫ ગામો મળી કુલ  ૧૨૯ જેટલા ગામોને સિંચાઇનો લાભ મળે છે. છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજુભાઈ રાઠવાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી કેનાલોના રીપેરીંગ માટે કરોડો રૂપિયા મંજૂર કરાવવામાં આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરવામાં આવ્યા નથી ત્યારે ખેડૂતોને આ વર્ષે ખેતી માટે પાણી મળશે કે કેમ ? એ પ્રશ્ન કિસાનો માટે ચિંતાનો વિષય બન્યો છે. આમ, સુખી ડેમ વિસ્તારમાં ૩૬ ટકા જેટલો વરસાદ વરસી જતા ડેમ ૧૪૩.૮૪ મીટર ભરાતા ૫૨.૪૭ ટકા છે જેમાં ૯૦.૭૮૯ એમ સી એમ પાણી ભરાયુ છે. 

Reporter: admin

Related Post