વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારોમાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે અલગ અલગ સંગઠનો પણ હવે મેદાનમાં ઉતરી રહ્યા છે.
વડોદરામાં ઓલ ગુજરાત ઈલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશને આજે વડોદરા કલેકટર કચેરી થકી મુખ્યમંત્રીને એક આવેદનપત્ર મોકલી આપીને તાત્કાલિક અસરથી સરકારની ચારે વીજ વિતરણ કંપનીઓ સ્માર્ટ મીટરો લગાવવાનુ બંધ કરે તેવી રજૂઆત કરી છે.
સંગઠને કહ્યું હતું કે, વડોદરામાં તો વીજ કંપનીએ રાતોરાત લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. લોકોની સંમતિ અને મંજૂરી લીધા વગર સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરીને લોકોના મૂળભૂત અધિકારોનુ પણ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. હવે ગ્રામ્ય કક્ષાએ પણ મીટરનો વિરોધ શરુ થયો છે. કારણકે લોકોને ખબર જ નથી કે કેવી રીતે ટેરિફ વસૂલવામાં આવી રહ્યુ છે. ભૂતકાળમાં તો વીજ બિલમાં યુનિટ વપરાશના સ્લેબ તેમજ ફ્યુલ ચાર્જને લઈને થોડી પણ પારદર્શિતા હતી પણ નવા મીટરને લઈને તો ગ્રાહક સાવ અંધારામાં છે.
ઓલ ગુજરાત ઈલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનની દલીલ છે કે, પહેલા લોકોને બિલ ભરવા માટે 10 થી 15 દિવસનો સમય મળતો હતો પણ હવે તો રિચાર્જ નહીં કરાવ્યુ હોય તો જોડાણ કપાઈ જશે. લોકો સ્માર્ટ મીટરોમાં 6 ગણુ પેમેન્ટ કરી રહ્યા છે તેવુ અમારા ધ્યાનમાં આવ્યુ છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરના કિસ્સામાં લઘુતમ કોન્ટ્રાક્ટ લોડ ધરાવતા ગ્રાહકો જો કોન્ટ્રાક્ટ લોડ કરતા વધારે વીજ વપરાશ કરશે તો તેમનો વીજ સપ્લાય જોખમમાં આવી શકે છે. સાથે સાથે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ટાઈમ ઓન ડેટ ટેરિફ સિસ્ટમ શરુ કરાશે. જેમાં ટેરિફ બજારની માંગના આધારે નક્કી થશે.ખાસ કરીને રાત્રે વીજ વપરાશના દર વધી જશે.
Reporter: News Plus