વિધાર્થીઓ પાસેથી માત્ર એક રૂપિયાના દાનની અપીલ કરીને એકત્રિત થયેલ રૂપિયા યુનિવર્સિટી સત્તાધીશોને આપવામાં આવશે..
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવાદો શમવાનું નામ લેતા નથી. એમ.એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં લેવાના નિર્ણયને બદલે આપ ખુદશાહી વર્તનથી પંકાયેલા સરમુખત્યાર કહી શકાય તેવા વાઇસ ચાન્સેલરના નિર્ણયોને પગલે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ યુનિવર્સિટી ખાતે પ્રવેશના મુદ્દે સ્થાનિક વિદ્યાર્થીઓની નારાજગી સહન કર્યા બાદ વાઇસ ચાન્સેલરે અચાનક યુનિવર્સિટી હસ્તકની હોસ્ટેલોમાં મેસ ફીને ફરજિયાત કરવાનો તઘલખી આદેશ કર્યો હતો. આ આદેશ બાદ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વી.સીના આ નિર્ણયનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મામલે ફી પાછી ખેંચવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પણ સત્તાધીશો દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ટોળું વાઇસ ચાન્સેલરના બંગલે પહોંચ્યું હતું અને સૂત્રોચાર સાથે વીસીના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો. વિધાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે સયાજીગંજ પોલીસને જાણકારી હોવાથી પોલીસ સહિત યુનિવર્સિટીની વિજિલન્સ ટિમ ત્યાં અગાઉથી પહોંચી ગઈ હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે વી.સીના બંગલે કોઈ જવાબદાર વ્યક્તિ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પોલીસ અને વિજિલન્સની ટીમ સાથે ચકમક જરી હતી.
આ કામગીરી દરમિયાન વી.સીના બંગલે લગાવેલ દરવાજાની ફાયર સીટ અને મિજાગરાને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ વી.સીના આદેશથી વિજિલન્સ ઓફિસર એસ.કે.વાળા દ્વારા સયાજીગંજ પોલીસ મથકે 200 જેટલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વી.સીના આ પ્રકારના નિર્ણયને લઈને વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓ સામે થયેલી ફરિયાદના પગલે શહેરના રાજકારણમાં પણ ગરમાઓ આવી ગયો હતો .માંજલપુરના ધારાસભ્ય સહિત વડોદરાના નવનિયુક્ત સાંસદે પણ વીસીના આ નિર્ણયનો વિરોધ કરીને વિદ્યાર્થીઓના હિતમાં અને તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફરિયાદ પાછી ખેંચવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને પણ સમગ્ર મામલે અવગત કર્યા હતા. વિદ્યાર્થીઓની ફરિયાદ પાછી ખેંચવાના મુદ્દે હજી સુધી ને કોઈ સમાધાનકારી વલણ ન આવતા હવે વિદ્યાર્થીઓએ જાતે જ આ બાબતે આંદોલન શરૂ કર્યું છે. આજે યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા વિધાર્થીઓ પાસેથી માત્ર એક એક રૂપિયાનું દાન લઈને વાઈસ ચાન્સેલરના બંગલા ખાતે થયેલ રૂપિયા 2000ના નુકસાનની ભરપાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિધાર્થી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ પહેલને ખાસુ સમર્થન મળ્યું હતું અને મોટી સંખ્યામાં વિધાર્થીઓએ પોતાના પોકેટમની માંથી એક રૂપિયાનું દાન કર્યું હતું. વિદ્યાર્થી સંગઠન દ્વારા એક એક રૂપિયો ઉઘરાવીને મળેલ દાનને યુનિવર્સિટીના સત્તાધીશોને સમર્પિત કરીને માંગ કરવામાં આવનાર છે કે જે 200 વિદ્યાર્થીઓ સામે રાયોટીંગ નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેને પરત ખેંચી લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવશે.
Reporter: News Plus