પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાબોધિ એક્સપ્રેસ પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના સમયે મહાબોધિ એક્સપ્રેસ નવી દિલ્હીથી બિહારના ગયા જઈ રહી હતી.
પથ્થરમારો થતાં જ ટ્રેનમાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મુસાફરો બોગીમાં નાસભાગ કરવા લાગ્યા હતા. આ પથ્થરમારામાં ઘણા મુસાફરો ઘાયલ થયા છે. પથ્થરમારાની આ ઘટના સોમવારે રાત્રે યમુના પુલ પાસે બની હતી અને બોગીને નિશાન બનાવીને અનેક પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આરપીએફની સૂચના બાદ મિર્ઝાપુર સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ઘાયલોની સારવાર કરવામાં આવી હતી અને અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.મહાબોધિ એક્સપ્રેસ પર પથ્થરમારો થયાની માહિતી મળતાની સાથે જ પ્રયાગરાજ જંક્શનથી આરપીએફ સબ ઈન્સ્પેક્ટર એસપી સરોજ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન ત્યાંથી નીકળી ગઈ હતી.
આરપીએફની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્રણ શકમંદોને કસ્ટડીમાં લીધા હતા. ટ્રેનને મિર્ઝાપુર સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. અહીં નિવેદનો નોંધવાની સાથે ઘાયલ મુસાફરોને સારવાર આપવામાં આવી હતી.મહાબોધિ એક્સપ્રેસ પર પથ્થરમારામાં ઘાયલ મુસાફર સુજીત કુમાર, બેગુસરાયના રહેવાસીએ જણાવ્યું કે તે બારી પાસે બેઠો હતો ત્યારે અચાનક પથ્થરમારો થવા લાગ્યો. તેને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે અન્ય ઘણા મુસાફરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે રેલવે તંત્રએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આરપીએફને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.
Reporter: admin