દીસપુર : આસામ અને અરુણાચલ પ્રદેશના રોકાણકારોને ૩૦ ટકા વળતરની લાલચ આપીને ૨૨ વર્ષીય કૌભાંડી બિશાલ ફુકને અનેકને છેતર્યા છે.
આસામની સ્પેશિયલ ટાસ્ક ગુરુવારે રૂ. ૨,૨૦૦ કરોડના સ્ટોક ટ્રેડિંગ સ્કેમમાં આસામની અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સુમી બોરાહ અને તેના ફોટોગ્રાફર પતિ તાર્કિક બોરાહની ધરપકડ કરી હતી. ૧,૫૦૦થી વધુ રોકાણકારો સાથે ઠગાઈના આ કેસમાં અત્યાર સુધીમાં બિશાલ ફૂકન સહિત ૪૦ની ધરપકડ કરવામાં આવી છે. સ્ટોક ટ્રેડિંગના આ સ્કેમના તાર બિશાલ ફુકન સાથે જોડાયેલા છે. બિશાલે ૬૦ દિવસમાં ૩૦ ટકા રિટર્નની ગેરંટી આપીને અનેક રોકાણકારોને થોડા દિવસો સુધી સમયસર નાણા પરત કર્યા હતા. શરૂઆતમાં ઘણા ઈન્વેસ્ટર્સને ફાયદો પહોંચતા તેઓ અનેકને બિશાલની કંપનીમાં રોકાણ કરવા માટે ખેંચી લાવ્યા હતા. નટવરલાલ બિશાલે રોકાણકારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા સાઈટ પર લક્ઝુરિયસ કાર્સની સાથે દુબઈમાં પાર્ટીઝના પેંતરા પોસ્ટ કર્યા હતા.
બિશાલે રોકાણકારોના નાણાથી એક વર્ષની અંદર જ ફાર્મા, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલી ચાર કંપનીઓ શરૂ કરી હતી. વેબ સિરીઝ, મ્યુઝિક વિડીયોઝ, આસામી ફિલ્મોના પ્રોડયુસરની સાથે તે એપાર્ટમેન્ટ્સ અને જમીનોમાં રોકાણ કરીને સૌથી મોટો રિયલ એસ્ટેટનો રોકાણકાર બની ગયો હતો. રાજસ્થાનના ઉદયપુરમાં બહેનનું ડેસ્ટિનેશન વેડિંગ કરાવનાર બિશાલ દુબઈમાં ૧૨ લાખની કિંમતના રૂમના ભાડા ચૂકવીને ચર્ચામાં આવ્યો હતો. બિશાલના ઠગાઈની સ્કીમ પકડાવવા પાછળનું કારણ દેશભરમાં ફેલાયેલું રૂ. ૭,૦૦૦ કરોડનું ડી.બી. સ્ટોક બ્રોકિંગ સ્કેમ છે. જેમાં, ૨૩,૦૦૦ રોકાણકારોએ કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સ્કેમનો માસ્ટરમાઈન્ડ દિપાંકર બર્મન હજી પણ ફરાર છે.
Reporter: