મુંબઈ: ઉલ્હાસનગરના પેટ્રોલ પમ્પના માલિકનું કથિત અપહરણ કરી વસઈ નજીક હત્યા બાદ લૂંટ ચલાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ડ્રાઈવર સહિત બે આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી નેપાળ ફરાર થવામાં સફળ રહ્યા હતા, પરંતુ મૃતક પાસેથી લૂંટેલી હીરાજડિત વીંટી અને કીમતી ઘડિયાળનું કોઈ ખરીદદાર ન મળતાં ઉત્તર પ્રદેશ પાછા ફરેલા બન્ને આરોપી પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા.મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2 અને સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી પકડી પાડેલા આરોપીઓની ઓળખ મૂકેશ ગોવર્ધનદાસ ખૂબચંદાની અને અનિલ રાજકુમાર ઉર્ફે નેપાળી મલ્લાહ ઉર્ફે સહાની ઉર્ફે થાપા તરીકે થઈ હતી. તેમનો સાથી રામલાલ જૈનક યાદવ ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આરોપીઓ પાસેથી હીરાજડિત વીંટી, કીમતી ઘડિયાળ અને રોકડ રકમ હસ્તગત કરવામાં આવી હતી.
વસઈ નજીકના નાગલે ગાવની હદમાંથી 25 ઑગસ્ટે પેટ્રોલ પમ્પના માલિક રામચંદ્ર ગુરુમુખદાસ કાકરાણીનો મૃતદેહ તેમની કારમાંથી મળી આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકથી પોલીસને કાકરાણીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ મેળવી હતી. આ હત્યામાં કાકરાણીનો ડ્રાઈવર મૂકેશ અને તેના બે સાથી અનિલ અને રામલાલની સંડોવણી હોવાનું જણાતાં પોલીસે તેમની શોધ હાથ ધરી હતી.ગુનો આચર્યા પછી આરોપી નેપાળ ભાગી જવાની તૈયારીમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર પહોંચી હતી. પોલીસ પહોંચે તે પહેલાં મૂકેશ અને અનિલ નેપાળના લૂંબીની શહેર રવાના થઈ ગયા હતા. જોકે નેપાળમાં વીંટી અને કીમતી ઘડિયાળના યોગ્ય ખરીદદાર ન મળતાં બન્ને આરોપી યુપીના ગોરખપુર પાછા આવી રહ્યા હોવાની માહિતી મળતાં પોલીસે સ્થાનિક પોલીસની મદદથી છટકું ગોઠવ્યું હતું.
Reporter: admin