આગામી ૨૦૨૬ સુધીમાં દેશના તમામ શહેરોને કચરા મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્વચ્છ ભારત મિશન અર્બન – ૨.૦ અંતર્ગત વડોદરા જિલ્લાની નગરપાલિકાઓના અધિકારીઓને માર્ગદર્શિત કરવા યોજાયેલા સેમિનારનું કલેક્ટર બિજલ શાહે ઉદ્દઘાટન કર્યું હતું.
આ સેમિનારના ઉદ્દઘાટન સત્રમાં કલેક્ટર શાહે જણાવ્યું કે, સ્વચ્છતા શહેરીજીવનની કાર્યશૈલીમાં વણાઇ જાય એ રીતે નગરપાલિકાઓએ કાર્ય કરવું જરૂરી છે. તેની સાથે નગરપાલિકાઓ દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર ટ્રીટમેન્ટ મુદ્દે નેશનલ ગ્રિન ટ્રુબ્યુનલ સહિત સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન થાય તે રીતે યોજના બનાવવા માટે તેમણે અધિકારીઓને અનુરોધ કર્યો હતો. નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ સેમિનારનો હેતુ સમજાવી સૌને આવકાર્યા હતા.
શહેરી વિકાસ વિભાગના તજજ્ઞોએ સ્વચ્છ ભારત મિશન – ૨.૦ની રૂપરેખા, વર્તમાન સ્થિતિ અને ભવિષ્યનું આયોજન, કચરા મુક્ત શહેરોના માપદંડની પદ્ધતિ, નિર્મળ ગુજરાત સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ, પ્રાંત અધિકારી સાંબડ સહિતના નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ, ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus