શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના અંતિમ દિવસે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરા શહેરની ન્યૂ સમા રોડ પર આવેલી પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંગ્રેજી પ્રાથમિક શાળા ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી.
શુક્લએ બાલવાટિકામાં પ્રવેશપાત્ર ૬૫ ભૂલકાઓનું શાળામાં નામાંકન કરાવીને તેમની શૈક્ષણિક કારકિર્દીનો પ્રારંભ કરાવ્યો હતો.મુખ્ય દંડક શુક્લએ શિક્ષણને સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પ્રથમ પાયો ગણાવી રાજ્ય સરકારે છેવાડાના વ્યક્તિ સુધી શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી હોવાનું જણાવ્યું હતું. તેમણે શિક્ષકો અને વાલીઓને શિક્ષણનો પાયો મજબૂત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની નેમ સાકાર કરવા આહવાન કર્યું હતું. શુક્લએ નવી શિક્ષણ નીતિની મહત્તા જણાવતા ગર્વભેર કહ્યું હતું કે, હવે માતૃભાષામાં જ શિક્ષણ મળે છે.
ભાષાના બંધનમાંથી હવે બાળકો સ્વતંત્ર થઈ ગયા છે. આ નવી નીતિથી નવી પેઢી શિક્ષિત અને દીક્ષિત બની છે. ભણો, ગણો અને દેશનું નામ રોશન કરો તેમ કહીને મુખ્ય દંડકએ ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી.કાર્યક્રમના અંતે શાળાના વર્ગખંડો, શાળા પરિસર સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષનું વાવેતર કરી તેમણે પર્યાવરણ જતન-સંવર્ધન માટે સંદેશ પાઠવ્યો હતો.આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનમિનેષ પંડ્યા, સ્થાનિક કોર્પોરેટરઓ, વોર્ડ ઓફિસરઓ, આચાર્ય-શિક્ષકો સહિત શાળાનો સ્ટાફ, અગ્રણીઓ, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪' ના બીજા દિવસે વડોદરા શહેરની વિવિધ શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું.
Reporter: News Plus