હરણી બોટકાંડને આજે છ મહિના જેટલો સમય વીતવા આવ્યો છે, ત્યારે મુકબધીર બનેલ પાલિકાના વહીવટી તંત્રએ તપાસના નામે હજી સુધી કોઈ નક્કર પરિણામલક્ષી કામગીરી નહીં કરી હોવાને કારણે ભોગ બનનાર બાર વિધાર્થીઓ અને બે શિક્ષિકાઓના પરિજનોની પર શું વીતતી હશે એ બાબતનો સંસ્કાર નગરીના નાગરિકોએ ક્યારે વિચાર કર્યો છે ખરો ? હરણી બોટ કાંડ બાદ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ 'x' પર સંવેદના વ્યક્ત કરીને બાળકોની તળાવમાં ડૂબવાની ઘટનાને અત્યંત હૃદયવિદારક ગણાવી હતી.દુર્ઘટનામાં ભોગ બનનારા સામે રાહત અને સારવારના આદેશ આપીને મુખ્યમંત્રીએ પોતાની સંવેદનાઓ જતાવી એ આવકારદાયક છે પરંતુ આજે આટલો બધો સમય વીતી જાય તેમ છતાં હતભાગીઓને ન્યાય અપાવવામાં ક્યાંકને ક્યાંક રાજ્ય સરકારની ઇચ્છાશક્તિને કોઈની નજર લાગી ગઈ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ગંભીર દુર્ઘટના કરતા ગંભીર બેદરકારી સમાન આ બનાવથી સમગ્ર રાજ્યમાં હડકંપ મચ્યો હતો એ પણ આપણે ભૂલવું ન જોઈએ.બોટનો ઈજારો જેમના નામે હતો એ તમામ જવાબદાર લોકો અને ઈજારો આપનારા અધિકારીઓ પર સદોષ માનવવઘનો ગુનો દાખલ થવો જોઈએ એવો લોકસુર પણ ઉઠ્યો હતો. આ તમામ હકીકતો વચ્ચે આજની સ્થિતિની વાત કરીએ તો રાજ્ય સરકારના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ બાદ પણ કસૂરવાર લોકો સામે કોઈ પણ કાર્યવાહી ન થતા હવે ભોગ બનનાર વિધાર્થીઓ અને શિક્ષિકાઓના પરિજનોએ હવે આશા છોડી દીધી હોય એમ લાગે છે. તળાવમાં બોટ ચલાવવાનો ઈજારો મેળવનાર મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ હરણી પોલીસ મથકે ઈ.પી.કો કલમ 304,308,337,338 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે જયારે આ દુર્ઘટનાને છ મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે ઇજારદારો સામે પોલીસે તપાસના કામે તકસવીરવાર ગણીને ઝડપી તો લીધા છે પરંતુ આ સમગ્ર ઘટનામાં પાલિકાના જે જવાબદાર અધિકારીઓ/પદાધિકારીઓની સામે પગલાં ક્યારે લેવામાં આવશે એ બાબતે ખુદ પાલિકા સત્તાધીશો અને રાજ્ય સરકારનું અક્ક્ડ મૌન હવે અકળાવી રહ્યું છે. હરણી તળાવમાંથી આજે પણ એ નિર્દોષ ભૂલકાઓની મરણચીસો શહેરના અનેક સંવેદનશીલ નાગરિકોને રાત્રે સુવા નથી દેતી. આ સમગ્ર મામલે તપાસ બાદ તત્કાલીન મ્યુનિસીપલ કમિશનર એચ.એસ.પટેલ અને ડો.વિનોદ રાવના નામ ખુલ્યા બાદ પાલિકાના એક પછી એક જવાબદાર દોષિતોના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલામાં સંડોવાયેલા કેટલાક રાજકારણીઓએ તો ગાંધીનગરના ચક્કર પણ કાપવાના શરૂ કરી દીધા છે. હરણી બોટ કાંડને લઈને હાઇકોર્ટના આકરા વલણ બાદ હવે પાલિકાના કમિશ્નરે કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણને પણ આ ઘટનામાં દોષિત માન્યા છે. અહીં મહત્વનું છે કે હરણી બોટ દુર્ઘટનામાં ફરિયાદી તરીકે રાજેશ ચૌહાણ હતા ત્યારે હવે ફરિયાદી જ આરોપી બની ગયા છે. અગાઉ હાઇકોર્ટ દવારા પાલિકાની બેજવાબદાર નીતિ સામે આકરા શબ્દોમાં ઝાટકણી કરતા પૂછ્યું હતું કે શું પાલિકા ઈજારો આપીને સુઈ જાય છે ? ઇજારદારની સામે પાલિકાના અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ *માર દિયા જાય યા છોડ દિયા જાય....હરણી બોટકાંડમાં દોષિત અધિકારીનું ભવિષ્ય હવે પાલિકાના પદાધિકારીઓના હાથમાં છે* હરણી બોટકાંડમાં હાઇકોર્ટના આકરા વલણ બાદ હવે પાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ હવે આરોપીની ભૂમિકામાં આવી શકે છે. તેઓ સામે પાલિકા કમિશ્નરે તપાસના આદેશ પણ આપી દીધા છે જેનો નિર્ણય ૨૦ જુલાઈના રોજ મળનારી પાલિકાની સભામાં થવાનો છે પરંતુ તાજેતરમાં જ પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસના આગેવાન ચિરાગ ઝવેરીનું દુઃખદ નિધન થવાના પગલે સામાન્ય સભા મુલતવી રહી શકે તેવી સંભાવના છે. સભા પહેલા કે સભા યોજવાની છે એ દિવસો બાદ શુ પાલિકાના પદાધિકારીઓ કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ સામે શુ કાર્યવાહી કરશે એ બાબત પર સૌની નજર રહેલી છે. બીજી તરફ રાજેશ ચૌહાણ ૩૧,ઓગષ્ટના રોજ વય મર્યાદાને કારણે ફરજ પરથી નિવૃત થવાના છે તે પહેલાં શુ પાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ જરૂરી પગલાં ભરશે કે પછી માત્ર સમયનો વિલંબ કરીને આ અધિકારીને બચાવી લેવાશે એ પણ જોવાનું રહ્યું.અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી ઈજનેર જીગ્નેશ સયાણીયા, નાયબ હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલ,નિવૃત એડિશનલ.સીટી એન્જીનીયર ધીરેન તળપદા ઉપરાંત મદદનીશ ઈજનેર મિતેષ માણી, હર્ષિલ પટેલ,વિશાલ પટેલ,જીગ્નેશ શાહ,પી.એમ.પટેલને શો કોશ નોટિસ આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓ સામે પણ તટસ્થ તપાસ થશે કે કેમ એ જોવું રહ્યું.
*રામ રાખે એને કોણ ચાખે...ના ના એવું નહીં.. અહીં તો નેતા રાખે એને કોણ ચાખે*
હરણી બોટકાંડમાં જે પણ લોકો દોષિત ઠર્યા છે એ તમામ લોકોના રાજકીય મહાનુભાવો સાથેના સંબંધો હવે બહાર આવી રહ્યા છે. રાજકીય આકાઓ અને ધર્મગુરુઓના આશીર્વાદથી ગંભીર બેદરકારી દાખવનારા દોષીતોના સંબંધો હવે જગ જાહેર થયા છે એટલે ચોક્કસથી એવું કહી શકાય કે તેમના ઉપર સખ્ત કાર્યવાહી કેવી રીતે અને ક્યારે કરવામાં આવશે.સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ફોટોઝનો ઝીંણવટભર્યો અભ્યાસ કરીએ તો ખબર પડે કે આ તમામ લોકોના કેટલા મજબૂત અને અંગત સંબંધો રાજકીય મહાપુરુષો સાથે છે.અત્યાર સુધી રાજ્ય સરકારની તપાસના નામે ઠીલી નીતિથી એ પ્રતીત થાય છે કે રાજય સરકાર જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં નથી.હાઇકોર્ટના આકરા વલણ બાદ જ્યારે જવાબદાર પાલિકાના અધિકારીઓના નામ પણ બહાર આવ્યા છે ત્યારે પોલીસ પણ કેમ કોઈ પગલાં નથી ભરી રહી એ સવાલ પણ અહીં ઉપસ્થિત થાય છે.દોષિત અધિકારીઓની સામે તપાસ કરવામાં પોલીસ પર કોનું અને કેમ દબાણ આવે છે એ બાબત પણ વિચાર માંગી લે એમ છે.
*તપાસ કમિટીની ટીમમાં વાડ જ ચીભડા ગળે એવું તો નથી થઈ રહ્યું ને*
દોષીત લોકોના, તપાસ ટીમના સભ્યો સાથેના સંબંધો પણ અનેક સવાલો સર્જી જાય છે. અહીં ઉલ્લેખનીય છે કે હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે જે ટીમની રચના કરવામાં આવી છે તેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાંને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જ્યારે શહેર ઝોન ૪ના ડિસીપી પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી, ડિસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાને સુપરવિઝન અધિકારી, એ.સી.પી ક્રાઇમ એચ.એ.રાઠોડને તપાસ અધિકારી, હરણી પોલીસ મથકના પી.આઈ સી.બી.ટંડેલ,ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એમ.એફ.ચૌધરી અને ક્રાઇમ બ્રાન્ચ પી.એસ.આઈ પી.એમ.ધાકડાને કમિટીમાં સભ્ય બનાવવામાં આવ્યા છે. દોષીતો પૈકી કેટલાકના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે તપાસ કમિટીના સભ્યોની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.
*બોટકાંડ માટે માત્ર અધિકારીઓ જ જવાબદાર હોય શકે એવુ કેવી રીતે હોઈ શકે?*
મહાનગરપાલિકાનું સમગ્ર તંત્ર માત્ર પદાધિકારીઓના ઇશારે ચાલતું હોય એ વાત ગળે ઉતરે એમ નથી. પાલિકાના પદાધિકારીઓ દ્વારા વહીવટી કામો માટે અધિકારીઓનું માર્ગદર્શન લેવામાં આવે છે એ સર્વવિદિત વાત છે.હરણી તળાવમાં બોટ ચલાવવા અંગેનો ઇજારો લેવા માટે ઇજારદારના તત્કાલીન શાસક પક્ષના પદાધિકારીઓ સાથેના સંબંધો પણ કેટલાક અંશે જવાબદાર માની શકાય.પાલિકા પાસેથી ઇજારો લેવા માટે શું ભલામણ કરવામાં આવી હતી કે કેમ ? એ અંગે પણ તપાસ થવી જરૂરી છે. બોટકાંડનો ઇજારો આપવાના સમયે જે પણ લોકો શાસક પક્ષની ભૂમિકામાં હતા તેઓની કામગીરી શુ હતી એ અંગે પણ તપાસ થવી આવશ્યક છે.સમાજમાં આ પ્રકારની દુર્ઘટનાઓને અટકાવવી હશે તો તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે.બોટકાંડનો ઇજારો આપવાના સમયે જે જે લોકો સરકારની ભૂમિકામાં હતા અથવા તો સરકારના પ્રતિનિધિ હતા તેવા તમામ લોકો સામે પણ દાખલા રૂપ કડક કાર્યવાહી થવી જરૂરી છે. જો રાજ્ય સરકાર તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરાવે તો આ બોટ કાંડ માટે જવાબદાર લોકોની યાદીમાં આવા તમામ સફેદપોશ ચહેરાઓ ખુલા પડી શકે તેમ છે.
*જવાબદાર અને જાગૃત નાગરિકના દસ્તાવેજી પુરાવા ઘણા નકાબપોશ ચહેરાઓને ખુલ્લા પાડી શકે છે*
હરણી બોટ કાંડમાં જવાબદાર દોષિત લોકોના ફોટોગ્રાફ્સ અને સાથ સંગાથના કેટલાક દસ્તાવેજી પુરાવા વડોદરાના એક જાગૃત નાગરિકે રાજ્યના શહેરી વિકાસના અગ્ર સચિવ અશ્વિનીકુમારને મોકલ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. આ જરૂરી દસ્તાવેજો સરકારમાં પ્રથમ કક્ષાના અધિકારીને મળ્યા બાદ હવે આ દુર્ઘટનામાં જવાબદાર બીજા કેટલાક નામો સામે આવે એવી શક્યતા સર્જાઈ છે. ભૂતકાળમાં આ દુર્ઘટના સાથે સંકળાયેલા કેટલાક મોટા માથાઓની ટોળકીના આઈ.એ.એસ અને આઈ.પી.એસ સાથેના સંબંધોને ઉજાગર કરતાં દસ્તાવેજો પણ અગ્ર સચિવને મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં એ પણ પ્રશ્ન ઉભો થાય છે. વર્તમાન સાંસદ અને શહેરના ધારાસભ્યો પીડિત લોકોની વ્હારે કેમ હજી સુધી નથી આવ્યા એ બાબતની નોંધ શહેરીજનોએ પણ લીધી છે..
આરોપી સામે ગુનો નોંધાયો હતો
01. બીનીત કોટીયા (ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
02. હિતેષ કોટીયા (ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
03. ગોપાલદાસ શાહ (ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા)
04. વત્સલ શાહ (ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર)
05. દિપેન શાહ (ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
06. ધર્મીલ શાહ (ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
07. રશ્મિકાંત સી. પ્રજાપતિ (ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા)
08. જતીનકુમાર હરીલાલ દોશી (ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા )
09. નેહા ડી.દોશી (ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા)
10. તેજલ આશિષકુમાર દોશી (ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા )
11. ભીમસિંગ કુડિયારામ યાદવ (ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા)
12. વૈદપ્રકાશ યાદવ (ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા)
13. ધર્મીન ભટાણી (ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા)
14. નુતનબેન પી.શાહ (ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા)
15. વૈશાખીબેન પી.શાહ (ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા)
18. બોટ ઓપરેટર અંકિત નામનો માણસ
19.અલ્પેશ હસમુખ ભટ્ટ
20.નિલેશ જૈન
*રાજ્યના ગૃહમંત્રી હંમેશા કહેતા હોય છે.."કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહી આવે* હરણી બોટ કાંડની દુર્ઘટના બાદ સરકાર પર વિપક્ષ દ્વારા બેદરકારી અને ગંભીર ક્ષતિઓ હોવાની રાવ સાથે માછલાં ધોવામાં આવ્યા હતા. મહાનગર પાલિકાની હદમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાતા અકસ્માતો કુદરતી નહી પણ માનવ સર્જિત દુર્ઘટના હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. બોટ કાંડમાં જીવ ગુમાવનારા હતભાગીઓ વિશે સંવેદના વ્યક્ત કરીને રાજ્યના ગૃહ મંત્રીએ આ ઘટનામાં જવાબદાર લોકો સામે સખત પગલાં ભરવાની જાહેરાત કરી હતી. અલબત્ત એ જાહેરાત ચૂંટણી ટાણે કહેવામાં આવતાં જુમલા જેવી સાબિત થઈ છે. હાઇકોર્ટની ટકોર બાદ પણ રાજ્ય સરકારની ઇચ્છાશક્તિ હજી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખેવના ધરાવતી નથી. એક તબક્કે ગૃહમંત્રીએ ઉચ્ચારેલી વાત આજે સાબિત થઈ છે કે આ ઘટનામાં સામેલ દોષીતો ખરેખર મોટા ચમરબંધી છે. રાજકોટ ગેમ ઝોનમાં જે પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવી એટલી જ ઝડપે હવે બોટ કાંડના પરિપ્રેક્ષમાં સરકાર કામગીરી કરે એ આવશ્યક બન્યું છે..
16. મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી તથા (૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ
*૬ માસિક પુણ્ય તિથિએ બોટ કાંડના મૃતકોના આત્માને હજુ શાંતિ મળી નથી અને એમના માતાપિતા અને સ્વજનો વિચલિત છે*
આજે હરણી લેક ઝોન દુર્ઘટનામાં પાણીમાં ગૂંગળાઈ ને અસહ્ય વેદના સાથે મૃત્યુ પામેલા બાર બાળકો અને બે શિક્ષિકાઓ ની અર્ધ વાર્ષિક પુણ્ય તિથિ છે.
રાજ્યના ગૃહ મંત્રી યુવાન અને ચોક્ખું બોલનારા છે.પ્રત્યેક દુર્ઘટના - હોનારત સમયે ' કોઈ ચમરબંધી ને છોડવામાં નહિ આવે ' એવું બોલવાનું તેઓ ભૂલે ચૂકેય ભૂલતા નથી.જો કે રાજકોટના અગ્નિ કાંડમાં અદાલતની કડકાઈ ને લીધે ઘણા બધા કબાટમાં થી હાડપિંજર બહાર આવવા માંડ્યા છે.હજુ ખરા ચમરબંધી ઓળખાયા નથી.હા,વચલા ક્રમના કહી શકાય એવા ચમરબંધી ઝલાયા છે.જો કે તેમાં અદાલતની કાંટાવાળી ચાબુકના ફટકા નો ડર વધુ કામ કરી ગયો છે.
વડોદરાના લેક ઝોન કાંડમાં ચમરબંધીઓ ના ગળે ગાળિયો કસાય એવા સંકેતો મળી રહ્યા છે. અહીં પણ અદાલતના વાઘની બીક કામ કરી રહી છે.
ત્યારે સવાલ એ મૂંઝવે છે કે ઉપરાઉપરી સીટ બને,તપાસ સમિતિઓ બને તો પણ ખરા ચમરબંધી સુધી હાથ કેમ પહોંચતો નથી? અત્યારે તો એવું લાગે છે કે ગુજરાતમાં અધિકારીઓ બેફામ છે. એ ધારે તો સુરતમાં બે હજાર કરોડની સરકારી જમીનનો વેપલો કરી નાંખે છે. એ ધારે તો એટમ બોમ્બ જેવું ગેમ ઝોન ધમધમાટ ચાલવા દે છે. એ ધારે તો લેક ઝોનનો કોન્ટ્રાક્ટ વોટર ફેસિલીટી નો જેમને કક્કો આવડતો નથી,જેમની પાસે પ્રવાસી સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી એવા લોકોને પાણીના ભાવે મનપા કે સરકારની મિલકતો સોંપી દે છે.
એમની ઉપર કોઈનું જોર ચાલતું નથી.સત્તાધારી અને ચૂંટાયેલી પાંખ બાપડી,બિચારી છે.સરકાર એમની મનમાની સામે લાચાર છે.તેઓ એટલા બેફામ છે કે કોઈનું સાંભળતા નથી.ભલું થજો અદાલતનું કે એની કડપ ને લીધે બે પૂર્વ કમિશનરો અને એક કાર્યપાલક ઇજનેર પકડમાં આવે એવી શક્યતા સર્જાઈ છે.
પરંતુ હજુ સુધી સત્તાની છત પર બેસેલા કોઈ ખેરખાં તરફ આંગળી ચિંધાઈ નથી.ઉપરવાળા હંમેશા નિર્દોષ હોય છે.નીચે વાળા એમને છેતરીને કાંડ કરી જાય છે,હવે જોઈએ બોટ કાંડમાં આગળ શું થાય છે અને કોની કોની ગરદન ફસાય છે..
Reporter: