દિલ્હી : નવનિર્માણ થનાર કેદારનાથ મંદિર મામલે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદે ગંભીર આક્ષેપ કર્યો છે કે, ‘કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે. કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં સોનાના લેપ લગાવવાના કામમાં ગોટાળો થયો છે. તેમાંથી 228 કિલો સોનું ગાયબ થઈ ગયું છે. આ મુદ્દો કેમ ઉઠાવાતો નથી.’
ગત વર્ષે કેદારનાથ મંદિરના એક વરિષ્ઠ પુજારીએ કેદારનાથ મંદિરમાં સોનાની પરત ચઢાવાના કામમાં 125 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, સોનાની જગ્યાએ પિત્તળને લેપ કરાયો હતો, જોકે મંદિર સમિતિએ તેમના આક્ષેપોને રદીયો આપ્યો હતો.
શંકરાચાર્યએ કહ્યું કે, કેદારનાથમાં 228 કિલો સોનું ગાયબ છે. કોઈ તપાસ શરૂ કરાઈ નથી. આ માટે કોણ જવાબદાર છે? હવે તેઓ કહે છે કે, દિલ્હીમાં કેદારનાથ બનાવીશું, આ ન બની શકે.’
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બુધવારે દિલ્હીના ઉત્તર-પશ્ચિમમાં બુરાડી પાસે હિરાંકી વિસ્તારમાં ભૂમિ પૂજનમાં ભાગ લીધો હતો અને કેદારનાથ મંદિરની આધારશિલા રાખી હતી. તો બીજીતરફ રવિવારે રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથ મંદિરમાં પુજારીઓએ પ્રદર્શન કર્યું હતું. તેઓ વિવિધ સંઘો સાથે એકત્ર થયા હતા અને કેદાર સભાના બેનરો હેઠળ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
કેદાર સભાના પ્રવક્તા પંકજ શુક્લાએ સ્પષ્ટ કહ્યું હતું કે, ‘અમે મંદિર નિર્માણના વિરોધમાં નથી, પરંતુ દાવા પ્રમાણે દિલ્હીમાં ધાર્મિક ટ્રસ્ટ દ્વારા કેદારનાથ મંદિરના નિર્માણનો વિરોધ કરી રહ્યા છીએ. કેદારનાથ ધામમાંથી એક પત્થર પણ સ્થળાંતર કરાશે તો કેદારનાથ ધામની ધાર્મિક પવિત્રતા ઘટી જશે.’
Reporter: admin