મુંબઈ : મહારાષ્ટ્ર પોલીસની વિવાદાસ્પદ ટ્રેઇની ઓફિસર પૂજા ખેડકરના માતા મનોરમાં ખેડકર અને પિતા દિલીપ ખેડકર ફરાર થઈ ગયા છે. પોલીસે સોમવારે (15 જુલાઈ) કહ્યું કે, અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન બંધ કરી દીધો છે. અમે બાનેર રોડ પર આવેલા તેમના બંગલા પર ગઈકાલે અને આજે બે વખત ગયા હતા, જોકે તે બંને મળ્યા નથી. અમે તેઓને શોધી લઈશું, પછી તપાસ કરાશે અને કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવશે.
વાસ્તવમાં પૂજાની માતા મનોરમાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પિસ્તોલથી ખેડૂતને ધમકાવતી જોવા મળી હતી. આ ઘટના પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામની છે. આ ગામમાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી હતી. પૂજાની માતા અને પિતા વિરુદ્ધ આ જ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.
તાજેતરમાં પૂજા ખેડકરે ટ્રેઈની આઈએએસ હોવા છતાં ગાડી, ઓફિસ વગેરે માટે જે રીતે ત્રાગાં કર્યાં અને અધિકૃત ન હોવા છતાં પણ પોતાની ખાનગી કાર પર લાલબત્તી લગાડી હોવાના તથા માંદગીનાં ખોટાં પ્રમાણપત્રો રજૂ કર્યા હોવાના તથા નોન ક્રિમી લેયરનો ખોટી રીતે લાભ લીધો હોવાના આક્ષેપો બાદ આ જૂનો વીડિયો વાયરલ થયો હતો અને તેને પગલે આ એફઆઈઆર થઈ છે.
Reporter: admin